Satya Tv News

વાગરા તાલુકાની સાયખા GIDC માં આવેલી નેરોલેક પેઈન્ટ્સ કંપનીમાં આજે સવારે અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે, તેના ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોઈ શકાતા હતા. જેના કારણે કામદારોમાં ગભરાહટ ફેલાઈ ગયો અને જીવ બચાવવા માટે નાસભાગ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ આસપાસની કંપનીઓના ફાયર ટેન્ડરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને આગ પર કાબૂ મેળવવા માટે જહેમત ઉઠાવી હતી. જોકે GIDC ના રસ્તાઓ પર ઠેર-ઠેર પડેલા મોટા ખાડાઓને કારણે ફાયર ટેન્ડરોને ઘટના સ્થળ સુધી પહોંચવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે બચાવ કામગીરીમાં વિલંબ થયો હતો.

https://www.instagram.com/reel/DO-p0mdCOKU

આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. હાલ આગને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલી રહ્યા છે. અને એકવાર આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધા બાદ જ આગના કારણ અંગે કોઈ સ્પષ્ટતા થઈ શકશે. આ ઘટનાને પગલે વાગરા પોલીસ અને મામલતદાર સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે. આ ઘટનાએ GIDC ના નબળા માળખાકીય સુવિધાઓ જેમાં ખાસ કરીને રસ્તાઓની ખરાબ હાલત સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. જો સમયસર ફાયર ટેન્ડરો ઘટના સ્થળે પહોંચી શક્યા હોત તો કદાચ નુકસાની ઓછી થઈ શકી હોત. આ ઘટનાએ ફરી એકવાર ઔદ્યોગિક વિસ્તારોમાં સુરક્ષા અને માળખાકીય સુવિધાઓની જાળવણીની તાતી જરૂરિયાત પર ભાર મૂક્યો છે.

error: