Satya Tv News

આગામી દિવસોમાં મોવીથી દેડિયાપાડા સુધીના માર્ગને આરસીસી બનાવવાની રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક મંજૂરી મળશે, જેમાં રૂપિયા 100 કરોડનો ખર્ચ થવાનો અંદાજ

નર્મદા જિલ્લાના દેડિયાપાડા-સાગબારા તાલુકાના ગામોને જિલ્લા મથક રાજપીપલા સાથે જોડતા મુખ્ય માર્ગ પર મોવી-યાલ ગામ વચ્ચે નદી પરનો બ્રીજ ભારે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયો હતો. જેને નવો બનાવવા માટે રાજ્ય સરકારમાં દરખાસ્ત મોકલવામાં આવતાં સરકારશ્રીમાંથી અગ્રતાના ધોરણે ટૂંકસમયમાં મંજૂરી મળતાં હવે આ રોડ પર રૂપિયા 8.80 કરોડના ખર્ચે નવા એપ્રોચ લો લેવલના બ્રિજનું નિર્માણ કરવામાં આવશે.

ભરૂચ-નર્મદાના સાંસદશ્રી મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં આજે ગુરૂવારના રોજ બ્રીજના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. બ્રીજના નિર્માણ કાર્ય દરમિયાન વાહન વ્યવહારને કોઈ અસર ન પડે તે માટે ડાયવર્ઝન આપી એજન્સી દ્વારા બ્રીજની કામગીરી તાત્કાલિક કરવામાં આવશે. આ બ્રિજનું નિર્માણ આગામી છ માસમાં પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે સાંસદશ્રી મનસુખભાઈ વસાવાએ જણાવ્યું કે, આ બ્રીજનું મહત્વ આપણે સૌ જાણીએ-સમજીએ છીએ, નેત્રંગ-નાંદોદ અને દેડિયાપાડા એમ ત્રણ તાલુકાને જોડતો રસ્તો છે. આદિવાસી વિસ્તારમાં રોડ-રસ્તાના કામ સંદર્ભે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર ખાસ ધ્યાન આપી સંવેદનશીલતાથી કામગીરી કરે છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાનિર્દેશ અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં નેત્રંગ-મોવી રોડને ફોરલેનમાં પરિવર્તિત કરવા માટે સરકારશ્રી દ્વારા નેશનલ હાઈવેને અંદાજિત રૂપિયા 700 કરોડ ઉપરાંતની નાણાંકીય મંજૂરી આપવામાં આવી છે.

વધુમાં તેઓએ કહ્યું કે, વધુ વરસાદ હોય તો સ્વાભાવિક છે કે ભારે વાહનો પસાર થવાથી રસ્તાઓ તૂટવાના જ છે. પરંતુ વરસાદ રોકાતા તેનું ઝડપભેર રિપેરિંગ પણ તંત્ર દ્વારા સક્રિયતાથી કરવામાં આવે છે. સરકારશ્રી દ્વારા આદિવાસી વિસ્તારોમાં વિકાસ માટે ખાસ ધ્યાન આપવામાં આવે છે પરંતુ આપણે પણ એક નાગરિક તરીકેની સહભાગીતા દાખવી દેશને મજબૂત બનાવવા અને વડાપ્રધાનશ્રીના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે યોગદાન આપવું જોઈએ. તેના માટે સૌથી મહત્વનું અંગ એટલે શિક્ષણ, સરકાર દ્વારા વિકાસના કામો તો થશે જ પરંતુ, નાગરિકોમાં શિક્ષણ નહીં હોય તો સર્વાંગી વિકાસમાં અનેક અવરોધો આવશે. આદિવાસી વિસ્તારમાં શિક્ષણ ઉપર ખૂબ ભાર આપીએ, જેથી આજના સ્પર્ધાત્મક યુગમાં આપણા યુવક-યુવતીઓ પણ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં અગ્રહરોળમાં રહી પોતાના પરિવાર, ગામ અને જિલ્લાને સમૃદ્ધ બનાવે જેથી દેશને સમૃદ્ધ બનાવવામાં આપણે પોતાનું યોગદાન આપી શકીએ.

અત્રે ઉલ્લેખનીય છે કે, દેડિયાપાડા- સાગબારા તાલુકાને જિલ્લા મથક સાથે જોડતા આ માર્ગની ચોમાસા દરમિયાન ક્ષતિગ્રસ્ત થવાની માત્રા વધારે રહેતી હતી. જે અંગે સ્થાનિક અગ્રણીઓ, વહીવટી તંત્ર દ્વારા રાજ્ય સરકારમાં મોવીથી દેડિયાપાડા સુધી આરસીસી રસ્તાના નિર્માણ માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 100 કરોડ ઉપરાંતની તાંત્રિક મંજૂરી આપવામાં આવશે. જેની વહીવટી પ્રક્રિયા પૂર્ણ થતાં કામગીરી હાથ ધરવામાં આવનાર હોય આ રસ્તાની મંજૂરી બદલ સાંસદશ્રી મનસુખભાઈ વસાવા અને ઉપસ્થિત અગ્રણીઓએ સરકારશ્રી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રીશ્રી મોતિસિંહ વસાવા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને સભ્ય શ્રીમતી પર્યુષાબેન વસાવા, જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન સુશ્રી રશ્મિતાબેન વસાવા, જિલ્લા બાંધકામ સમિતિના ચેરમેનશ્રી ખાનસિંગ વસાવા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી શંકરભાઈ વસાવા, દેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી સંજયભાઈ વસાવા, માર્ગ અને મકાન વિભાગ(સ્ટેટ)ના કાર્યપાલક ઈજનેરશ્રી એસ.એચ.મોદી, નાયબ માહિતી નિયામકશ્રી અરવિંદ મછાર, નાંદોદ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી હરેશભાઈ વસાવા સહિત સ્થાનિક અગ્રણીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર: સર્જન વસાવા, ડેડિયાપાડા

error: