
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેને લઈને ભરૂચ જિલ્લામાંથી રાહ જોવાતા સારા સમાચાર સામે આવ્યા છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) દ્વારા અંકલેશ્વર તાલુકાના પુન ગામ નજીક એક્સપ્રેસ વે પર એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.આ નિર્ણયથી દક્ષિણ ગુજરાતના હજારો વાહનચાલકોને સીધો લાભ થશે. વડોદરાથી મુંબઈ તરફ જતા વાહનચાલકો હવે પુન ગામ નજીકના એક્ઝિટનો ઉપયોગ કરી ઓલપાડ-અંકલેશ્વર સ્ટેટ હાઇવે મારફતે સુરત જઈ શકશે. તદનુરૂપ રીતે, મુંબઈથી વડોદરા તરફ જતા વાહનચાલકો પણ સ્ટેટ હાઇવે પરથી આ એક્સપ્રેસ હાઇવેમાં પ્રવેશ મેળવી શકશે.
આ સુવિધાને મંજૂરી આપવાનો નિર્ણય સ્થાનિક ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ, તેમજ વિસ્તારના વિવિધ સામાજિક પ્રતિનિધિઓ અને નાગરિકોની રજૂઆતના પગલે લેવામાં આવ્યો છે. ઘણા સમયથી અંકલેશ્વર અને ભરૂચ વિસ્તારના લોકોએ એક્સપ્રેસ વે પર નજીકના કનેક્ટિવિટી પોઈન્ટની માગણી કરી હતી, કારણ કે હાલ લાંબી દૂરી સુધી કોઈ સગવડ ન હોવાને કારણે લોકોને અવારનવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.આ નવા એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટના કારણે ભરૂચ અને અંકલેશ્વર શહેરમાં વારંવાર સર્જાતી ટ્રાફિકજામની સમસ્યામાં નોંધપાત્ર રાહત મળશે. ખાસ કરીને, નર્મદા બ્રિજ અને જી.આઈ.ડી.સી વિસ્તારના વ્યસ્ત માર્ગો પર વાહનોનું દબાણ ઘટશે.ઉપરાંત, અંકલેશ્વરથી સુરત વચ્ચેનો એક્સપ્રેસ વેનો પોર્શન દિવાળી બાદ શરૂ થવાની પૂરી શક્યતા છે. આ ભાગ શરૂ થઈ જશે ત્યારબાદ વડોદરા અને સુરત વચ્ચે મુસાફરી સમય ખૂબ ઘટશે અને ગુજરાતના ઔદ્યોગિક શહેરો વચ્ચે પરિવહન વધુ સુગમ બનશે.આ નિર્ણયથી વેપારીઓ, ઉદ્યોગકારો, અને રોજિંદા મુસાફરી કરતા લોકોને મોટો ફાયદો થવાનો છે, જ્યારે વિસ્તારના વિકાસને પણ નવો વેગ મળશે.