Satya Tv News

ચીકદા ગ્રુપ પંચાયત ખાતે ભરૂચના સાંસદશ્રી મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં રાત્રી ગ્રામસભા યોજાઈ

આજે મહિલાઓ પોતાના અનુભવો આત્મવિશ્વાસપૂર્વક વ્યક્ત કરી રહી છે, એ જ સશક્ત ભારતનું વાસ્તવિક ચિત્ર છે : સાંસદશ્રી મનસુખ વસાવા

વિકાસ સપ્તાહ–2025 અંતર્ગત ચીકદા ગામે “સશક્ત નારીથી સમૃદ્ધ ભારત” વિષય પર માર્ગદર્શન પૂરું પાડતા સાસંદશ્રી

સેવા, સુશાસન અને જનકલ્યાણના 24 વર્ષની ઉજવણીના ભાગરૂપે “વિકાસ સપ્તાહ–2025” અંતર્ગત નર્મદા જિલ્લાના ચીકદા તાલુકાની ચીકદા ગ્રુપ પંચાયત ખાતે ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાની અધ્યક્ષતામાં રાત્રી ગ્રામસભા યોજાઈ હતી.

વિકાસ રથ ચીકદા ગામે આવી પહોંચતા ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મહાનુભાવો, ગ્રામજનો, વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક રથનું સ્વાગત કર્યું હતું.

રાત્રિ સભા દરમિયાન સાંસદશ્રી મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, “આજે મહિલાઓ પોતાના અનુભવો આત્મવિશ્વાસપૂર્વક વ્યક્ત કરી રહી છે, એ જ આપણા સશક્ત ભારતનું વાસ્તવિક ચિત્ર છે.” તેમણે વધુમાં જણાવ્યું કે, આયુષ્માન ભારત કાર્ડ યોજનાથી રાજ્ય અને કેન્દ્ર સરકાર મળીને રૂપિયા 10 લાખ રૂપિયાની વિનામૂલ્યે સારવારની સુવિધા પૂરી પાડે છે. સરકાર માતા–બાળ આરોગ્ય, પોષણ અને શિક્ષણ માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી રહી છે.

કાર્યક્રમ દરમિયાન વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભો વિતરણ કરવામાં આવ્યા હતા. લાભાર્થી મહિલાઓએ પોતાના અનુભવો શેર કરતા જણાવ્યું કે, સરકારે શરૂ કરેલી યોજનાઓએ તેમની જિંદગીમાં પરિવર્તન આણ્યું છે. તેમણે ઉમેર્યું કે આગામી વર્ષ 2047 સુધીમાં શહેરો જેવા ગામડાં બની જશે. અદ્યતન સુવિધાઓનો લાભ નાગરિકોને મળી રહેશે. વડાપ્રધાનશ્રીનું સ્વપ્ન સાકાર થશે, વિકસિત થશે; સરકારની દરેક યોજના એ દિશામાં એક મોટું પગલું છે.”

કાર્યક્રમના અંતે સૌએ સ્વચ્છતાની પ્રતિજ્ઞા લીધી હતી. સૌએ સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગ માટેનો સંકલ્પ પણ લીધો હતો.

આ પ્રસંગે દેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી સંજય વસાવા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને સભ્ય શ્રીમતી પર્યુષાબેન વસાવા, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષ શ્રી ખાનસિંગ વસાવા, નિવાલ્દા ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી લતાબેન વસાવા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી શંકરભાઈ વસાવા, મામલતદારશ્રી એસ.વી. વિરોલા, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જીજ્ઞેશ દેસાઈ, સી.ડી.પી.ઓ. શ્રીમતી હેમાંગી ચૌધરી, અધિકારીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા

error: