કમોસમી માવઠાને કારણે ખેડૂતોને બેવડી આફતનો સામનો કરવો પડ્યો છે, કારણ કે એક તરફ શિયાળુ પાકની તૈયારીઓ ચાલી રહી છે, તો બીજી તરફ કપાસ, મગફળી અને અન્ય પાકોની લણણી ચાલી રહી છે.
વરસાદને કારણે મગફળીના પાથરા ખેતરમાં જ પલળી ગયા, જેના કારણે પાક સડી જવાનો ખતરો ઊભો થયો છે. કપાસ, સોયાબીન, ડાંગર, ચીકુ અને તલ સહિતના પાકોને ભારે નુકસાન થયું છે. ખેતરમાં રાખવામાં આવેલો પશુઓનો સૂકો ઘાસચારો પણ પલળી જતાં નકામો બની ગયો છે. ઓગસ્ટ-સપ્ટેમ્બરના વરસાદથી માંડ બેઠા થયેલા ખેડૂતો લાભ પાંચમના શુભ દિવસોમાં ફરી માવઠાના મારથી આર્થિક રીતે તબાહ થયા છે. નવસારી, ગણદેવી અને બીલીમોરામાં ડાંગર અને ચીકુને ભારે નુકસાન થયું છે, જ્યારે ડાંગ જિલ્લામાં ડાંગર, વરાઈ, નાગલી અને કઠોળનો પાક ભોંયભેગો થયો છે. મધ્ય ગુજરાતમાં માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદી માટે આવેલી ડાંગર પલળી ન જાય તે માટે ખેડૂતોએ દોડધામ મચાવી હતી.
દરિયાઈ પટ્ટી પર સંભવિત ખતરો જારી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા બંદર પર સતત બીજા દિવસે નંબર 3 નું ભયસૂચક સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે. દરિયામાં ભારે કરંટ અને તોફાની પવનની સંભાવનાને પગલે ગુજરાત મેરીટાઇમ બોર્ડ (GMB) દ્વારા માલસામાનનું વહન કરતી નાની હોડીઓને પ્રસ્થાન ટાળવાની સૂચના આપવામાં આવી છે.
આવતીકાલ માટે ઓરેન્જ અને યલો એલર્ટ
બે દિવસ ક્યાં વરસાદ માટે એલર્ટ?
27 ઓક્ટોબર :
અમરેલી, ગીર સોમનાથ, કચ્છ, દીવમાં ઓરેન્જ એલર્ટ અને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, મહીસાગર, ભરૂચ, સુરત, નવસારી, રાજકોટ, જામનગર, ભાવનગરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
28 ઓક્ટોબર :
ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, દીવમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.