
ગુજરાત પ્રદેશ ભાજપના નવા પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પક્ષના સંગઠનમાં પારદર્શિતા જાળવવા અને આંતરિક અસંતોષને દૂર કરવા માટે એક મોટો અને ક્રાંતિકારી નિર્ણય લીધો છે. હવેથી શહેર અને જિલ્લાના સંગઠનમાં હોદ્દેદારોની નિમણૂક ‘સેન્સ’ (સર્વસંમતિ/મત લેવા)ના આધારે કરવામાં આવશે, જેના કારણે શહેર-જિલ્લા પ્રમુખો પોતાની રીતે ટીમ બનાવી શકશે નહીં.
અત્યાર સુધીની પ્રણાલીમાં શહેર અને જિલ્લા પ્રમુખો પોતાના નજીકના અને મળતિયા લોકોને સંગઠનમાં હોદ્દા ફાળવી દેતા હતા. જેના કારણે અનેક કિસ્સાઓમાં ‘હોદ્દાની લ્હાણી’ કરી હોવાની ફરિયાદો ઉઠતી હતી. જગદીશ વિશ્વકર્માએ આ પ્રથા પર રોક લગાવી છે. શહેર કે જિલ્લા પ્રમુખ હવે પોતાની રીતે સંગઠનમાં હોદ્દેદાર નીમી શકશે નહીં. આંતરિક અસંતોષ અટકાવવો અને સંગઠનમાં વફાદાર તથા પાયાના કાર્યકરોને તક આપવી.
નવા સંગઠનમાં નિમણૂકો માટે કવાયત શરૂ કરી દેવાઈ છે. ભાજપે કુલ મળીને 82 નિરીક્ષકોની નિમણૂક કરી છે, જેઓ દરેક જિલ્લા અને મહાનગરોમાં પહોંચીને સેન્સ લેશે. આગામી 10 નવેમ્બર સુધીમાં આ સમગ્ર પ્રક્રિયા આટોપી લેવામાં આવશે. દરેક જિલ્લા અને મહાનગરોમાં મહામંત્રી, ઉપાધ્યક્ષ, મંત્રી અને કોષાધ્યક્ષ જેવા હોદ્દાઓ માટે ત્રણ-ત્રણ નામોની પેનલ બનાવવામાં આવશે. તૈયાર કરાયેલી આ તમામ પેનલો પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માને સોંપવામાં આવશે, જેઓ અંતિમ નિર્ણય લેશે.