ઓનલાઇન ઠગાઈ કરતા ઠગો દ્વારા લોકો પાસેથી લાખો રૂપિયા ખંખેરવા માટે જુદી-જુદી તરકીબો અજમાવવામાં આવતી હોય છે. વડોદરાની એક વૃદ્ધા સાથે આવી જ રીતે એફડી ટ્રાન્સફર કરવાના નામે ઠગોએ 91.10 લાખ પડાવી લીધા હોવાનો બનાવ બન્યો છે.
અકોટામાં રહેતા મીથિલાબેને પોલીસને કહ્યું છે કે, મારા પતિ વિદેશમાં ગવર્મેન્ટ ડોક્ટર હતા. મારે 20.10 લાખની એફડી પાકી હોવાથી આ રકમ બીજી બેંકમાં ટ્રાન્સફર કરવા માટે ગુગલ પરથી ઈક્વિટ્સ બેંકના કસ્ટમર કેરનો નંબર લીધો હતો. આ નંબર પર સંપર્ક કરતા અભિષેક નામની વ્યક્તિએ વાત કરી હતી.
કસ્ટમર કેર દ્વારા મારી પાસે કોલ ફોરવર્ડિંગ કરાવ્યા બાદ મારા કોલ બીજે ફોરવર્ડ થવા માંડ્યા હતા. મારી પાસે આધાર કાર્ડ અને ડેબિટ કાર્ડની વિગતો લેવામાં આવી હતી અને ત્યારબાદ મારો ફોન હેક થઈ ગયો હતો.
વૃદ્ધાએ કહ્યું છે કે, તા.20 થી 22 ઓક્ટોબર દરમિયાન મારા ખાતામાં 57 જેટલા ટ્રાન્જેક્શન થયા હતા અને 91.10 લાખની રકમ ટ્રાન્સફર થઈ ગઈ હતી. જેથી સાયબર સેલને જાણ કરી હતી.