

જિલ્લા કલેકટરશ્રી એસ.કે.મોદીની અધ્યક્ષતામાં જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી સુચારૂ વ્યવસ્થા અંગે બેઠક યોજાઈ
ભગવાન બિરસા મુંડાની ૧૫૦ મી જન્મ જયંતિ નિમિત્તે નર્મદા જિલ્લામાં આગામી તા. ૧૫ મી નવેમ્બરના રોજ દેડિયાપાડા ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય કક્ષાનો જનજાતિય ગૌરવ દિવસ કાર્યક્ર્મ યોજાનાર છે. જેના ભાગરૂપે આજરોજ તા. ૧૦ નવેમ્બરે જિલ્લા કલેકટરશ્રી એસ.કે.મોદીની અધ્યક્ષતામાં રાજપીપલા ખાતે ડો. બાબા સાહેબ આંબેડકર હોલમાં આયોજન અમલવારી અંગે બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ કાર્યક્રમના આગોતરા આયોજન દરમિયાન વિવિધ સમિતિ દ્વારા કરવાની કામગીરી અને વ્યવસ્થા અંગે વિસ્તૃતમાં માહિતી મેળવી હતી. જેમાં બેરીકેટીંગની વ્યવસ્થા, લોકોને બેસવાની વ્યવસ્થા, પીવાના પાણી, મંડપ, લાઇટ દેવ મોગરા મંદિર પરિસરમાં અને આસપાસની જગ્યાની સાફ-સફાઈની કામગીરી, ફાયર સેફ્ટી, આરોગ્ય વિભાગ દ્વારા થતી કામગીરી, વીજ પુરવઠો, પાર્કિગ સહિતની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં સંબંધિત અધિકારીશ્રીનો સુચનાઓ આપી હતી.
આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા સુશ્રી વિશાખા ડબરાલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર. વી. વાળા, પ્રાયોજના વહીવટદાર સુશ્રી અંચુ વિલ્સન, અધિક નિવાસી કલેક્ટર શ્રી સી.કે. ઉંધાડ, રાજપીપલા નાયબ વન સંરક્ષકશ્રી અભયકુમાર, દેડિયાપાડા પ્રાંત અધિકારી સુશ્રી જૂહી પાંડે, જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના નિયામક શ્રી વાય.એસ.ચૌધરી સહિત વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતાં.
રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા