જેનો જન્મ થયો છે તેનું મૃત્યુ નક્કી જ છે, પણ મૃત્યુ ક્યારે થશે એ નક્કી નથી હોતું. પરંતુ લંડનની 22 વર્ષીય એલિસ ફિગ્યુએરેડોની કહાની સાંભળીને તમારા રૂંવાડા ઊભા થઈ જશે. જુલાઈ 2015માં ગુડમેજ હોસ્પિટલના મેન્ટલ હેલ્થ વોર્ડમાં તેની લાશ મળી હતી. સૌથી ચોંકાવનારી વાત એ હતી કે, એલિસે પોતાના જ મોતની ભવિષ્યવાણી કરી હતી, છતાં પરિવારે આ બાબતે ધ્યાન ન આપ્યું અને અંતે દીકરી ગુમાવવાનો વારો આવ્યો હતો.
એલિસે પોતાના પરિવારને કહ્યું હતું કે, તે હવે આ રૂમમાંથી બોડી બેગમાં જ નીકળશે અને આ વાત બિલકુલ સાચી સાબિત થઈ હતી. માતાએ લાશ જોતા જ ધ્રુસકે-ધ્રુસકે રડવાનું શરૂ કરી દીધું હતું. કારણ કે તેને અફસોસ હતો કે, તેણે પોતાની દીકરીની વાત પર વિશ્વાસ કર્યો નહીં. તેની દીકરી જાણતી હતી કે, તે હોસ્પિટલમાંથી ઠીક થઈને નહીં, પણ મરીને બહાર નીકળશે. તેણે આ વાત નજરઅંદાજ કરી અને તેનું પરિણામ આવ્યું કે, દીકરીએ હંમેશા માટે આ દુનિયાને અલવિદા કહી દીધું હતું.
એલિસના મૃત્યુ મામલે લંડન કોર્ટનો નિર્ણય
લંડન કોર્ટે હવે આ મામલે પોતાનો નિર્ણય આપ્યો છે. એલિસના પોસ્ટમોર્ટમથી મામલો આત્મહત્યાનો નીકળ્યો હતો. એલિસ બાયપોલર ડિસઓર્ડર અને એનોરેક્સિયા જેવી ગંભીર બીમારીઓથી પીડાતી હતી. એલિસ પૂર્વી લંડનની રહેવાસી હતી. બાળપણથી જ તે માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓથી ઝઝૂમી રહી હતી. ડોકટરોએ બાયપોલર ડિસઓર્ડરનું નિદાન કર્યું, જેમાં મૂડ સ્વિંગ્સ ખૂબ જ તીવ્ર હોય છે. આવી સ્થિતિમાં ક્યારેક વ્યક્તિ ખૂબ જ ખુશ હોય તો ક્યારેક ઊંડા ડિપ્રેશનમાં જતો રહે છે. સાથે જ તેને ઈટિંગ ડિસઓર્ડર પણ હતો જેના કારણે તે નબળી થઈ ગઈ હતી. તેનું વજન ઘટતું જતું હતું. ખાવું મુશ્કેલ થઈ ગયું હતું. તેથી પરિવાર દીકરીને ઠીક કરવા માટે અનેક હોસ્પિટલોમાં લઈ ગયો, પરંતુ તેની સ્થિતિ સુધરવાની બદલે બગડતી ગઈ હતી. છેલ્લે તેને ગુડમેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી, જે ઇલફોર્ડમાં સ્થિત છે. આ હોસ્પિટલ મેન્ટલ હેલ્થ પેશન્ટ્સ માટે જાણીતી છે, પરંતુ સ્ટાફની અછત અને મોનિટરિંગમાં ખામીની ફરિયાદો અહીં સામાન્ય હતી.