



વિવિધ રાજ્યોના પ્રવાસન સ્થળો, ખાનપાન, પહેરવેશ, કલા સંસ્કૃતિની ઝલક મેળવતાં નાયબ મુખ્યમંત્રીશ્રી સંઘવી
રાજ્યના આદજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ સાથે જોડાયા
અખંડ ભારતના શિલ્પી લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મ જયંતી નિમિત્તે પ્રથમ વાર દિલ્હીની બહાર, એકતાનગર ખાતે ભારત પર્વ ૨૦૨૫ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સહભાગી થવાં એકતાનગર પધાર્યા હતાં. તેઓની સાથે રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ, જિલ્લાના અગ્રણીશ્રી નીલભાઈ રાવ પણ જોડાયા હતાં.
રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ માધ્યમોને જણાવ્યું કે, દેશની વિવિધ સંસ્કૃતિને સમર્પિત આ ‘ભારત પર્વ’ નું આયોજન સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મ જયંતીના અવસરે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દ્વારા દેશની વિવિધતા, કલા અને સાંસ્કૃતિક વારસાની ઝલક પ્રસ્તુત કરવામાં આવી છે.
વધુમાં તેમણે ઉમેર્યું કે, એકતાનગર ખાતે ભારત પર્વમાં વિવિધ રાજ્યોના સ્ટોલ્સ દ્વારા ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ ની ભાવના સાકાર થઈ રહી છે. આ કાર્યક્રમને હું દેશના મહત્વનો અને ઐતિહાસિક કાર્યક્રમોમાંથી એક ગણું છું, જેમાં સંસ્કૃતિ અને વિચારસરણીને એકસૂત્રે પરોવાનો પ્રયત્ન કરાયો છે. અહીં ભારત પર્વમાં વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક કલાઓનું પ્રદર્શન કરીને દેશની એકતા મજબૂત કરવાનો સંદેશ આપવામાં આવી રહ્યો છે.
શ્રી હર્ષ સંઘવીએ એકતા પ્રકાશ પર્વમાં અદભુત લાઈટિંગ અને સુંદર સજાવટની પ્રસંશા કરી હતી.
ભારત પર્વ ૨૦૨૫ માં સહભાગી થયેલા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી ભારત દર્શન થીમ પેવેલિયનમી મુલાકાત લઈને ગુજરાત સહિત ભારત દેશના વિવિધ પ્રાંતોના ખાનપાન, પહેરવેશ, ક્લા-સંસ્કૃતિ અને પ્રવાસન સ્થળોની જાણકારી મેળવી હતી.
ભારત દર્શન થીમ પેવેલિયન સહિત નાયબ મુખ્યમંત્રીશ્રીએ લાઈવ કિચન, વિવિધ હસ્તકલા આધારિત સ્ટોલ્સ અને ફૂડ સ્ટોલ્સની મુલાકાત પણ લીધી હતી. તેમણે સુરતની ફેમસ આલુપૂરીનો સ્વાદ માણ્યો હતો.
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ સાથોસાથ એકતા પ્રકાશ પર્વ દરમિયાન રંગબેરંગી લાઈટિંગ અને આકર્ષક ડેકોરેશનથી ઝળહળતા ધાર્મિક તથા સાંસ્કૃતિક વાતાવરણનો આનંદ માણ્યો હતો. જે રાષ્ટ્રીય એકતા અને ભારતીય સંસ્કૃતિના તેજસ્વી પ્રતિબિંબરૂપ બની સૌને એકતાના પ્રકાશમાં જોડવાનો સંદેશ આપે છે.
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની મુલાકાત વેળાએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીના ચેરમેનશ્રી મુકેશપુરીજી, સ્ટેચ્યુ ઓફ યુનિટીના સીઈઓ શ્રી અમિત અરોરા, TCGL એમડી શ્રી પ્રભવ જોશી પણ જોડાયા હતાં.
રિપોર્ટર: સર્જન વસાવા, ડેડિયાપાડા