પદયાત્રા સાગબારા તાલુકાના વિવિધ ગામોમાંથી પસાર થઈ સેલંબા અંબે માતાજી મંદિર ખાતે પૂર્ણાહૂતિ



લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિના અવસરે સમગ્ર ગુજરાત સહિત નર્મદા જિલ્લામાં પણ જિલ્લાકક્ષાની એકતા માર્ચ પ્રારંભી હતી.
આ પદયાત્રા સાગબારા તાલુકાના કુબીકોતરથી પ્રારંભ થઈ, સેલંબાના અંબે માતાજી મંદિરે પૂર્ણ થઈ હતી. આ પદયાત્રામાં નાગરિકો, યુવાશક્તિ તથા મોટી સંખ્યામાં વિધાર્થીમિત્રો ઉત્સાહપૂર્વક જોડાયા હતાં.સાંસદશ્રી મનસુખભાઈ વસાવા, સાગબારા તાલુકા પંચાયત પ્રમુખશ્રી ચંપાબેન વસાવા સહિતના મહાનુભાવોએ કૂબીકોતર ખાતે એકતા પદયાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. સાંસદશ્રીએ કૂબીકોતર ખાતે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પ અર્પણ કરીને ભાવાજંલી આપી હતી. આ પ્રસંગે સાંસદશ્રી મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સૌના સાથ-સહકાર અને આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસને કેન્દ્ર રાખી છે. સૌના સર્વાંગી વિકાસ થકી વર્ષ ૨૦૪૭ સુધીમાં દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવા અને આત્મનિર્ભરતાની દિશામાં આગળ વધી રહી છે. સરકારશ્રીના વિકાસલક્ષી પ્રયાસો દ્વારા આદિવાસી સમાજ પણ ઝડપી ગતિએ પ્રગતિ કરી રહ્યો છે, જે વડાપ્રધાનના દૂરદર્શી વિચારો અને સરદાર સાહેબની પ્રેરણા સાથે સંકળાયેલો છે.આ કાર્યક્રમ દરમિયાન સરદાર પટેલના આદર્શ જીવન, દેશભક્તિ, ખેડૂતો-નાગરિકો માટે સંઘર્ષ અને દેશને એકતાંતણે જોડવામાં મહત્વની ભૂમિકા અંગે પ્રેરણાત્મક ભાષણો રજૂ કરાયા હતાં. આ તકે એકતા માર્ચ દરમિયાન ઉપસ્થિતોએ સ્વદેશી ચીજવસ્તુઓના ઉપયોગ માટે સામુહિક સંકલ્પ લીધો હતો. કૂબીકોતર ગામેથી પ્રારંભ થયેલી આ પદયાત્રા સાગબારા તાલુકાના ગામોથી પસાર થઈ સેલંબા અંબે માતાજી મંદિરે પૂર્ણ થઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકારના યુવા અને સાંસ્કૃતિક મંત્રાલય અને માય ભારત દ્વારા આયોજિત આ રથયાત્રા રાજ્યના વિવિધ જિલ્લાઓ સહિત નર્મદાના તાલુકાઓના ગામોમાં ફરી હતી. આ રથયાત્રા દરમિયાન “યુનિટી માર્ચ” ના પ્રભારીશ્રી મારુતિસિંહ અટોદરીયા, પ્રાંત અધિકારી સુશ્રી જુહી પાંડે, જિલ્લા-તાલુકાના અધિકારીઓ-કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લીધો હતો.
*રિપોર્ટર: સર્જન વસાવા, ડેડિયાપાડા*