


માયાભાઇ આહીરે રાજપીપલાવાસીઓને પોતાની આગવી શૈલીથી સાહિત્ય પીરસી અનોખી અનોખી માયા લગાડી
ગુજરાતી લોક સાહિત્યકાર માયાભાઇ આહીરના સૂરોથી રાજપીપળા ગુંજી ઉઠ્યું
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી અંતર્ગત આયોજિત સરદાર@૧૫૦ રાષ્ટ્રીય યુનિટી માર્ચ અંતર્ગત આજે રાજપીપલા ખાતે ભવ્ય લોકડાયરો યોજાયો હતો. કરમસદથી પ્રસ્થાન કરાયેલી આ ઐતિહાસિક રાષ્ટ્રીય એકતા પદયાત્રા આજે રાજપીપલા આવી પહોંચી, જ્યાં સંધ્યાકાળે રાજપીપલા શહેર લોકસાહિત્ય અને સંગીતના રંગે રંગાયું હતું.
ગુજરાતી લોકસાહિત્યના ઘરેણાં સમાન એવા પ્રખ્યાત લોકસાહિત્યકાર માયાભાઇ આહીરે અંબુભાઈ પુરાણી મેદાન ખાતે પોતાના સુરીલા સૂરોથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. દેશ-વિદેશમાં પોતાની આગવી લોકગાયકીથી ઓળખાતા માયાભાઇ આહીરના દરેક ગીતમાં દેશપ્રેમ, સંસ્કૃતિ અને માટીનો સુગંધ અનુભવાયો હતો.
માયાભાઇ આહીરના લોકગીતો, ભજન અને દેશભક્તિથી ભરપૂર રજૂઆતોને શ્રોતાઓએ ઊભા રહીને તાળી વગાડી વધાવી લીધી હતી. સમગ્ર મેદાન દેશભક્તિના ઉલ્લાસ અને લોકસંગીતના રંગે છલકાઈ ગયું હતું. બાળકો, યુવાનો અને વરિષ્ઠ નાગરિકો સહીત પદયાત્રીઓ આ લોકડાયરાના સાક્ષી બન્યા હતા.
આ લોકડાયરો માત્ર એક સાંસ્કૃતિક કાર્યક્રમ નહીં પરંતુ રાષ્ટ્રીય એકતા, સંસ્કૃતિ અને વિરાસતને ઉજાગર કરતો ઉજવણીનો ઉત્સવ બની રહ્યો હતો. સરદાર સાહેબના એકતા અને અખંડ ભારતના સંદેશને માયાભાઇ આહીરના સૂરોએ જનજન સુધી પહોંચાડ્યો હતો એ જ આ પ્રસંગની સૌથી મોટી સિદ્ધિ રહી હતી.
રિપોર્ટર: સર્જન વસાવા, ડેડિયાપાડા