



ઇન્ચાર્જે સ્ટાફના ભરોસે ચાલતી બંને કચેરીઓમાં સ્ટાફ અને પ્રાથમિક સુવિધાના અભાવને કારણે અરજદારો પણ અહીં આવતા બંધ થયા;
બે મહિના થયા હોવા છતાં BSNL કનેક્શન નથી મળ્યું ;
ચીકદા: ગત 2 ઓક્ટોબરે ગુજરાત સરકાર દ્વારા નવા તાલુકાઓની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં નર્મદા જિલ્લામાં ડેડીયાપાડા તાલુકાને વિભાજિત કરીને ચીકદા તાલુકો બનાવવામાં આવ્યો હતો. તાલુકો જાહેર થતા ચીકદા ગામની ગ્રામ પંચાયત ભવનમાં મામલતદાર કચેરી તેમજ આરોગ્ય સબ સેન્ટરમાં તાલુકા પંચાયતની કચેરી હંગામી ધોરણે શરૂ કરવામાં આવી. શરૂ કર્યાના બે મહિના ઉપર વીતી જવા છતાં આ બંને કચેરીઓમાં નાગરિકોને પોતાના દફતરી કામગીરી માટે હાલ ડેડીયાપાડા ખાતે ફેરો મારવો પડે છે. નવા તાલુકો જાહેર કરવાનો ઉદ્દેશ લોકોને ઘર આંગણે તમામ પ્રકારની સુવિધા મળે તે છે પરંતુ બે મહિના થવા છતાં આજે પણ ચીકદા તાલુકાના છેવાડાના લોકોને ભાડું અને સમય બગાડી ડેડીયાપાડા ખાતે લંબાવું પડે છે. મીડિયા દ્વારા મામલતદાર કચેરીની મુલાકાત કરવામાં આવી હતી જેમાં ત્યાં ફક્ત એક પટાવાળો હાજર હતો. જ્યારે મામલતદાર કે નાયબ મામલતદાર વગેરે ના ટેબલો ખાલીખમ જોવા મળ્યા હતા. જરૂરી કર્મચારીઓ હાજર ન રહેતા ત્યાં કોઈ અરજદાર પણ હાજર નહોતાં. આરોગ્યના સબ સેન્ટર ખાતે શરૂ કરાયેલી તાલુકા પંચાયતની કચેરીમાં મુલાકાત દરમ્યાન ચાર્જમાં આવેલા ક્લાર્ક તેમજ એક પટાવાળા હાજર હતા. જ્યારે અન્ય ટેબલો પર ખુરશીઓ ખાલી જોવા મળી હતી. બંને કચેરીઓમાં ફક્ત ટેબલો અને ખાલી ખુરશીઓ જોવા મળી હતી. ઇન્ચાર્જે સ્ટાફના ભરોસે ચાલતી બંને કચેરીઓમાં સ્ટાફ અને પ્રાથમિક સુવિધાના અભાવને કારણે અરજદારો પણ અહીં આવતા બંધ થયા હોવાની ફરિયાદો ઉઠી છે.
ચીકદા મામલતદાર કચેરીની પ્રાથમિક સુવિધાની અછત અને સ્ટાફ બાબતે ઈનચાર્જ મામલતદાર એસ.વી.વિરોલા સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું તે BSNL ની કનેક્ટિવિટી ન મળ્યો હોવાને કારણે ગુજરાત સરકારની G – SWAN સેવા હાલ ચાલુ કરી શકાય એમ નથી જેને કારણે તમામ જન સેવા કેન્દ્રની કામગીરી હાલ ડેડીયાપાડા ખાતે જ કરવામાં આવે છે. કનેક્ટિવિટી મળશે એટલે ચીકદા કચેરીમાં કામગીરી ચાલુ થઈ જશે.
નવરચિત ચીકદા તાલુકામાં 22 ગ્રામ પંચાયતો તથા 67 ગામો મળીને કુલ વસ્તી 58,935 છે. તેમજ કુલ 77 પ્રાથમિક, 9 માધ્યમિક શાળાઓ અને 2 ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ 83 આંગણવાડી કેન્દ્રોનો સમાવેશ કરાયો છે.
રિપોર્ટર: સર્જન વસાવા, ડેડિયાપાડા