Satya Tv News

ઔરંગાબાદમાં રવિવારે બપોરે મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લાના વૈજાપુર તાલુકામાં આવેલા લાડગાંવ નામના ગામમાં એક 17 વર્ષના છોકરાએ કથિત રીતે તેની 19 વર્ષની બહેનનું માથું ધડથી અલગ કરી નાખ્યું હતું. કારણ કે યુવતીએ તેની મરજી મુજબ ઘરેથી ભાગીને પ્રેમ લગ્ન કર્યા હતા. પોલીસે જણાવ્યું કે છોકરા અને તેની માતાએ મૃતક યુવતીના માથા સાથે સેલ્ફી પણ ક્લિક કરી હતી. છોકરાની અટકાયત કરવામાં આવી છે અને તેની માતાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ નિમિત ગોયલે અમારા સહયોગી TOIને કહ્યું, “છોકરાએ એક મરાઠી ફિલ્મમાંથી પ્રેરણા લીધી હોય તેવું લાગે છે. તેણે રસોડામાં જ પોતાની બહેનનું માથું કાપી નાખ્યું જ્યારે તે ભાઈ અને માતા માટે ચા બનાવી રહી હતી. તે પછી, તેણે અને માતાએ યુવતીના માથા સાથે સેલ્ફી લીધી હતી.

ગોયલે આગળ કહ્યું કે “સેલફોન જપ્ત કરી લેવામાં આવ્યો છે પરંતુ એવું લાગે છે કે માતા અને પુત્રએ તે સેલ્ફી ડિલીટ કરી દીધી છે. ફોટો રિકવર કરવા અમે સેલફોનને ફોરેન્સિક એનાલિસિસ માટે મોકલીશું. તે તસવીર ઘટનાના પુરાવાનો મહબત્વનો ભાગ છે.” તેમણે આગળ વધુમાં જણાવ્યું કે, ”પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે છોકરો અને તેની માતા યુવતીના ભાગી જવાના અને લગ્ન કરવાના નિર્ણયથી નારાજ હતા. પોલીસે જણાવ્યું કે યુવતી અને તેનો પતિ જુનિયર કોલેજમાં સાથે હતા ત્યારે મિત્રો હતા. વૈજાપુરના સબ-ડિવિઝન પોલીસ અધિકારી કૈલાશ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, “ગોયેગાંવ ગામની રહેવાસી 19 વર્ષીય મહિલા જૂન મહિનામાં 20 વર્ષીય યુવક સાથે ભાગી ગઈ હતી. તેના પરિવારજનોએ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. લગભગ આઠ દિવસ પછી 21 જૂને યુવતીએ લગ્નની નોંધણી કરાવી અને કપલ વૈજાપુર પોલીસ સ્ટેશનમાં આવ્યું હતું. ત્યારથી યુવતી લાડગાંવમાં તેના પતિ સાથે રહે છે.

પોલીસે સ્પષ્ટતા કરી હતી કે આ આંતર-જ્ઞાતિય લગ્ન ન હોવા છતાં, છોકરા અને તેની માતાએ પ્રેમ લગ્ન કરીને સમાજમાં પરિવારી “બદનામી” માટે યુવતીને દોષી ઠેરવતા હતા. પોલીસે આ પૂર્વ આયોજીત હત્યાનું કાવતરુ હોવાની શંકા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે યુવતીની માતા લગભગ 10 દિવસ પહેલા તેને મળવા આવી હતી અને યુવતીને ગળે લગાવીને ખૂબ રડી હતી. જોકે વધુ કંઈ કહ્યા વિના માતા નીકળી ગઈ હતી. જે બાદ આ રવિવારે પરત પોતાના દીકરા સાથે દીકરીના સાસરે આવી હતી. પોલીસે જણાવ્યું કે ઘટના સમયે યુવતીનો પતિ તેમના ત્રણ રૂમના ઘરમાં હતો. તે પત્નીની માતા અને ભાઈને મળ્યો પણ હતો જોકે પોતાની તબિયત ખરાબ હોવાથી તેમને મળીને આરામ કરવા માટે બીજા રૂમમાં ચાલ્યો ગયો. આ દરમિયાન મહિલા ચા બનાવવા રસોડામાં ગઈ ત્યારે તેનો ભાઈ તેની પાછળ આવ્યો અને દાતરડી વડે તેનું માથું કાપી નાખ્યું. જે બાદ નૃશંસતાની પરાકાષ્ઠા તો ત્યારે થઈ જ્યારે સેલ્ફી માટે આ છોકરો પોતાની બહેનનું વાઢી લીધેલું માથુ બહાર બેઠેલી પોતાની માતા પાસે લઈ આવ્યો.

error: