Satya Tv News

ડૉક્ટરોની હડતાળની ચિમકી : મોડી રાત સુધી મનાવવા સરકારના પ્રયાસ

તબીબી શિક્ષકો અને ઈન સર્વિસ સહિત 10 હજાર ડૉક્ટરોની હડતાળથી સરકાર મોટી મુશ્કેલીમાં મૂકાશે

અમદાવાદ પગાર સહિતના પડતર પ્રશ્નોને લઈને તબીબી શિક્ષકો,કલાસ-2 મેડિકલ ઓફિસરો અને ઈન સર્વિસ ડોક્ટરો તેમજ જીએમઈઆરએસ કોલેજોના તબીબી શિક્ષકો સહિતના ચારેય સંગઠનોએ એક થઈને સરકાર સામે લડવા રચેલા ગુજરાત ડોક્ટર ફોરમ દ્વારા આવતીકાલે 13મીથી સામુહિક હડતાળની જાહેરાત કરાઈ છે.

જેને લઈને ચિંતામા મુકાયેલી સરકારે આજે મોડી સાંજે મેડિકલ સંગઠનોની બેઠક બોલાવી હતી અને ડોક્ટરો-તબીબી શિક્ષકોને સમજાવવા અનેક પ્રયાસો કર્યા હતા.મોડી રાત સુધી મીટિંગ ચાલી હતી પરંતુ સામે ડોક્ટરો પણ માનવા તૈયાર ન હતા.

સરકારી મેડિકલ કોલેજો અને જીએમઈઆરએસ મેડિકલ કોલેજોના તબીબી શિક્ષકો તેમજ ડેન્ટલના શિક્ષકોને એનપીએ તથા પગારની મહત્તમ 237500ની મર્યાદા સાથે 1 જુલાઈ 2017થી એનપીએ આપવા તેમજ એરિયર્સ સહિતના લાભ આપવાનો ઠરાવ કરવા ઉપરાંત ગત મે-2021માં કરાયેલા ઠરાવો અમલ કરવાની તથા પેટ મેટ્રીકલ્સ લેવલ 10 પે 56100 મુજબ એન્ટ્રી પેનો લાભ તબીબી અધિકારીઓ અને મેડિકલ કોલેજોના ટયુટરોને આપવાની ,કરાર આધારીત નિમણૂંકો સંપૂર્ણ બંધ કરી કામયી મંજૂર જગ્યાઓ ભરવા સહિતની વિવિધ માંગણીઓ સરકાર સમક્ષ કરવામા આવી છે. આ પડતર માંગણીઓને લઈને મેડિકલના તમામ સંગઠનો એક થઈ ગયા છે.

જેમાં મેડિકલ ટીચર્સ એસોસિએશન, ઈન સર્વિસ ડોકટર એસોસિએશન તથા જીએમઈઆરએસ તબીબી શિક્ષક એસોસિએશન અને કલાસ-2 મેડિકલ ઓફિસર એસોસિએશને એક થઈને ગુજરાત ગવર્મેન્ટ ડોક્ટર ફોરમની રચના કરી છે.

આ ફોરમ દ્વારા થોડા દિવસ પહેલા મુખ્યમંત્રીને આવેદનપત્ર આપીને 13મીથી સામુહિક રાજીનામાની અને હડતાળની ચીમકી અપાઈ હતી.જે મુજબ આવતીકાલે 13મીથી બી.જે.મેડિકલ કોલેજના 350થી વધુ સીનિયર તબીબી શિક્ષકો-ડોક્ટરો સહિત રાજ્યની સરકારી કોલેજો-જીએમઈઆરએસ કોલેજોના કુલ મળીને 10 હજારથી વધુ તબીબી શિક્ષકો-ડોક્ટરો હડતાળ પર ઉતરવાના છે.

જો કે ડોક્ટરોની હડતાળને પગલે સરકાર હાલની કોરોનાની સ્થિતિમાં ચિંતામા મુકાઈ છે અને જેથી આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓએ આજે મોડી સાંજે ડોક્ટર સંગઠનોના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી.જે મોડી રાત સુધી ચાલી હતી. ચારેય સંગઠનોને મનાવવા માટે સરકારના ઉચ્ચ અધિકારીઓએ ખૂબ જ પ્રયાસો કર્યા હતા.જ્યારે ડોક્ટર સંગઠનો પણ માનવા તૈયાર ન હતા.

error: