Covid-19 in US: અમેરિકામાં કોરોના વાયરસથી કુલ મૃત્યુઆંક 800,000 ને વટાવી ગયો છે. આ સંખ્યા વિશ્વના કોઈપણ દેશ કરતા વધુ છે. આ ઉપરાંત, સોમવારે, સંક્રમિત કુલ કેસોની સંખ્યા 5 કરોડને વટાવી ગઈ છે. રસી લીધા વિના લોકો અને વૃદ્ધોમાં મૃત્યુ દર વધવાની સંભાવના છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે વર્ષ 2021માં ગયા વર્ષની સરખામણીમાં વધુ મોત નોંધાશે. દેશમાં ફરી એકવાર મૃત્યુઆંક ચિંતાજનક રીતે વધી રહ્યો છે.
અમેરિકામાં કોરોના વાયરસના કારણે પ્રથમ મૃત્યુ સિએટલ વોશિંગ્ટનમાં નોંધાયું હતું. જેને 650 દિવસથી વધુ સમય થઈ ગયો છે. પરંતુ હજુ પણ સ્થિતિ કાબુમાં આવી શકી નથી
ફાઈઝર રસી સૌપ્રથમ અમેરિકામાં મંજૂર કરવામાં આવી હતી. ગત શિયાળાથી લોકોને લગાડવામાં આવી રહ્યું છે. તે સમયે 300,000 થી વધુ મૃત્યુ નોંધાયા હતા આ વર્ષે એપ્રિલમાં, વધુ બે રસીઓ – મોડર્ના અને સિંગલ-ડોઝ જોન્સન એન્ડ જોન્સન મંજૂર કરવામાં આવી હતી. ત્રણેય રસીઓ તમામ ઉંમરના પુખ્ત વયના લોકોને આપવામાં આવી રહી છે.800,000નો આ આંકડો બોસ્ટન અથવા વોશિંગ્ટન ડીસી જેવા શહેરોની કુલ વસ્તી કરતાં વધુ છે. આશ્ચર્યજનક રીતે, રોગચાળામાં મૃત્યુ પામેલા અમેરિકનોની સંખ્યા બીજા વિશ્વ યુદ્ધમાં જીવ ગુમાવનારા અમેરિકનો કરતા બમણી છે.
અમેરિકામાં મૃત્યુઆંક અન્ય કોઈપણ દેશ કરતા વધુ છે. બ્રાઝિલ વિશ્વનો બીજો સૌથી વધુ કોરોના વાયરસથી પ્રભાવિત દેશ છે. જ્યાં 6,16,000 થી વધુ લોકોના મોત થયા છે. ભારત ત્રીજા સ્થાને છે. અહીં 475,000 થી વધુ મૃત્યુ થયા છે. રાષ્ટ્રપતિ જો બાઈડને લોકોને રસી લેવા માટે અપીલ કરી રહ્યા છે.
તેમનું કહેવું છે કે લોકોને રસી ન મળવાને કારણે કેસોમાં વધારો થઈ રહ્યો છે. દરમિયાન, ડૉ. એન્થોની ફૌસી, યુએસ પ્રમુખ જો બાઈડનના મુખ્ય તબીબી સલાહકારે જણાવ્યું હતું કે નવી ઓમિક્રોન વેરિઅન્ટ યુએસમાં ફેલાતો મુખ્ય પ્રકાર બની શકે છે.