Satya Tv News

ભરૂચ અને અંકલેશ્વરમાં કાલથી રાત્રી 10થી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કરફ્યૂનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોનાના કેસમાં વધારો થતા રાજ્ય સરકાર દ્વારા રાત્રી કરફ્યૂનો નિર્ણય કરવામાં આવ્ચો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ સ્થિતીની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. જેમાં રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણના હેતુસર મુખ્યમંત્રીએ રાત્રિ કરફયૂ વધુ 17 નગરોમાં અમલ કરવા સહિતના કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. તારીખ 22 જાન્યુઆરી 2022થી દરરોજ રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફયૂનો અમલ કરાવવાનો નિર્ણય કર્યો છે. ત્યારે ભરૂચ અને અંકલેશ્વર શહેરમાં પણ આવતી કાલથી રાત્રે 10થી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કરફ્યૂ લગાવવામાં આવ્યું છે. ભૂપેન્દ્ર પટેલે કોર કમિટિની બેઠકમાં કોરોનાની સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા મંત્રીઓ અને વરિષ્ઠ સચિવો સાથે હાથ ધરીને અન્ય પણ મહત્વના નિર્ણયો કર્યા છે. જેમાં હોટલ-રેસ્ટોરન્સ દ્વારા કરવામાં આવતી હોમ ડીલીવરી હવે 24 કલાક ચાલુ રાખી શકાશે તે પણ નિર્ણય કરવામાં આવ્યો છે.

ભરૂચ જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે નવા 412 કોવિડ પોઝિટિવ કેસ નોંધાયા છે. ભરૂચ જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરમાં રોજે રોજ સરેરાશ 200 થી 300 પોઝિટિવ કેસ નોંધાવવા સાથે ત્રીજી વેવ સૌથી ઝડપી સાબિત થઈ રહી છે. માત્ર 63 દિવસમાં પોઝિટિવ કેસનો આંકડો 2000 ને પાર કરી ગયો છે. જ્યારે પેહલી લહેરમાં 169 અને બીજી ઘાતક લહેરમાં 2000 સંક્રમિત કેસોનો આંક 100 દિવસે પાર થયો હતો.

જિલ્લામાં રોજે રોજ કોરોના સંક્ર્મીતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે પહેલી અને બીજી લહેર કરતા ત્રીજી લહેરમાં કેસોમાં ખુબ મોટો ઉછાળો જોવા મળ્યો છે. ભરૂચ જીલ્લામાં માત્ર 63 દિવસમાં પોઝીટીવ કેસનો આંકડો 2000 ને વટાવી ગયો છે.

ત્રીજી લહેર નવેમ્બર મહિનાના અંત ભાગમાં શરૂ થઇ ગઈ હતી. જોકે વહીવટી તંત્ર દ્વારા જુલાઈથી જ થર્ડ વેવ હેઠળ ગણતરી શરૂ કરી દેવાઈ હતી. અને ધીમે ધીમે કેસો આવતા ગયા હતા. પોઝિટિવ 1 કેસથી શરુ થયેલ કોરોનાની ત્રીજી લહેરમાં અચાનક જ ખુબ મોટો ઉછાળો આવી ગયો અને રોજના 200 થી 300 કેસો નોંધાવા માંડ્યા.

ભરૂચ જીલ્લામાં જો પ્રથમ અને બીજી લહેરની વાત કરીએ તો જીલ્લામાં સૌથી પહેલો કેસ 8 એપ્રિલ 2020 માં નોંધાયો હતો. જે બાદ તેમાં વધારો થયો હતો. પ્રથમ લહેરમાં સપ્ટેમ્બર માસના અંત ભાગમાં કોરોનાના કેસો 2000 ને આંબી ગયા હતા. પ્રથમ લહેરમાં 2000 નો આંકડો પાર કરતા 169 દિવસનો સમય લાગ્યો હતો.

ભરૂચ જિલ્લામાં દિન પ્રતિદિન કોરોના પોઝિટિવનો આંકડો વધતો જ જાય છે. ત્રીજી લહેર ભલે અગાઉ જેટલી ઘાતક નથી પરંતુ જે પ્રકારે કેસમાં વધારો થઈ રહ્યો છે તે હવે જિલ્લા આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર માટે ચિંતાનો વિષય ચોક્કસ બન્યો છે. ગુરૂવારે એક જ દિવસમાં સૌથી વધુ રેકોર્ડબ્રેક 408 પોઝિટિવ કેસ નોંધાયા હતા. અત્યારસુધી 1150 લોકો સાજા થયા છે. હાલમાં કુલ 1215 કેસ એક્ટિવ છે.

error: