Satya Tv News

કર્ણાટકમાં ચાલતો હિજાબ વિવાદ હવે સુપ્રીમ કોર્ટ પહોંચી ગયો છે. તેને ચીફ જસ્ટિસની બેન્ચ સામે રજૂ કરવામાં આવ્યો છે. એડ્વોકેટ અને કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે આ કેસ સુપ્રીમ કોર્ટ ટ્રાન્સફર કરવાની ભલામણ કરી છે.

હિજાબ વિવાદ પર કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટમાં કહ્યું છે કે, સ્કૂલો-કોલેજો બંધ કરવી પડી છે, છોકરીઓ પર પથ્થરમારો થયો છે. તેમણે કહ્યું કે, આ તે ધાર્મિક કેસ જેવો જ છે જેમાં 9 જજની બેન્ચ દ્વારા સુનાવણી કરવામાં આવી હતી. નોંધનીય છે કે, સબરીમાલા મંદિર વિવાદ પર સુપ્રીમ કોર્ટની 9 જજની બેન્ચ દ્વારા સુનાવણી કરવામાં આવી હતી.

સિબ્બલની ભલામણ પર ચીફ જસ્ટિસે કહ્યું છે કે, પહેલાં આ કેસમાં કર્ણાટક હાઈકોર્ટમાં સુનાવણી પૂરી થવા દો. કર્ણાટક હાઈકોર્ટે આ કેસ મોટી બેન્ચને ટ્રાન્સફર કર્યો છે. આ વિશે સિબ્બલે કહ્યું છે કે, તેઓ આ કેસ સુપ્રીમ કોર્ટમાં લીસ્ટ થાય તેવી માંગણી કરી રહ્યા છે. જો હાઈકોર્ટ આ વિશે કોઈ આદેશ નથી આપતી તો સુપ્રીમ કોર્ટે આ કેસ તેમની પાસે ટ્રાન્સફર કરવો જોઈએ. સિબ્બલે માંગણી કરી છે કે, સુપ્રીમ કોર્ટ આ કેસને ટ્રાન્સફર કરીને આર્ટીકલ 25 અંતર્ગત સુનાવણી કરે અને રાજ્યની તેમાં કેવી ભૂમિકા છે તે જુઓ. સિબ્બલે કહ્યું- ત્યાં મહિલાઓ પર હુમલા થઈ રહ્યા છે, તેમના પર પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે.

હિજાબ વિવાદના કારણે સ્કૂલોમાં રજા આપી દેવામાં આવી છે. આ વિશે કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ કહ્યું છે કે, સ્કૂલ પરિસર અને વિદ્યાર્થીનીઓ વચ્ચે શાંતિ વ્યવસ્થા જળવાય. હુ દરેક લોકોને અપીલ કરુ છું કે એવી કોઈ હરકત ના કરે જેથી સ્કૂલ પરિસર અને રાજ્યની શાંતિમાં ભંગ પડે. કારણકે હવે આ કેસ કોર્ટમાં છે અને રોજ સુનાવણી થઈ રહી છે. આ સંજોગોમાં શાંતિપૂર્ણ માહોલ રાખવો આપણું કર્તવ્ય છે જેથી ન્યાય અપાવી શકાય.

હિજાબ વિવાદ પર બુધવારે કર્ણાટક હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. આ દરમિયાન સુનાવણી કરનાર કર્ણાટક HCના જજ જસ્ટિસ કૃષ્ણા દીક્ષિતે આ કેસ મોટી બેન્ચને સોંપવાનો નિર્ણય કર્યો છે. જસ્ટિસ દક્ષિતે કહ્યું છે કે, આ કેસ વિશે વચગાળાની રાહત વિશે પણ મોટી બેન્ચ વિચાર કરશે.
કોલેજોમાં હિજાબની મંજૂરી ના આપવાના વિરોધની અરજી કર્ણાટક હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. કર્ણાટક હાઈકોર્ટે મંગળવારે પણ આ વિશે સુનાવણી કરી હતી. કોર્ટની સિંગલ બેન્ચે બુધવારે આ કેસ મોટી બેન્ચને સોંપવાનો નિર્ણય કર્યો છે. કોર્ટે અરજી કરનાર તરફથી દલીલ કરવામાં આવી છે કે, આ કેસ ઘણો ગંભીર છે તેથી તે મોટી બેન્ચને મોકલવો જરૂરી છે.

કર્ણાટકના કુંડાપુરા કોલેજની 28 મુસ્લિમ વિદ્યાર્થીને હિજાબ પહેરીને ક્લાસ અટેન્ડ કરતાં રોકવામાં આવી હતી. આ ઘટના વિશે વિદ્યાર્થિનીઓએ હાઈકોર્ટમાં અરજી કરતાં કહ્યું હતું કે ઈસ્લામમાં હિજાબ ફરજિયાત છે, તેથી એની મંજૂરી આપવી જોઈએ.

છોકરીઓના હિજાબ પહેરવા વિશેના જવાબમાં હિન્દુ સંગઠનોના છોકરાઓએ કોલેજ કેમ્પસમાં ભગવા શાલ પહેરવા કહ્યું હતું. જ્યારે હુબલીમાં શ્રીરામ સેનાએ કહ્યું હતું કે જે લોકોએ બુરખો અથવા હિજાબ પહેરવાની માગણી કરી છે, તેઓ પાકિસ્તાન જઈ શકે છે. એવો સવાલ પણ ઉઠાવવામાં આવ્યો છે કે હિજાબ પહેરીને શું ભારતને પાકિસ્તાન અથવા અફઘાનિસ્તાન બનાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે?

error: