ગોવાની તમામ 40, ઉત્તરાખંડની 70 બેઠકો પર જ્યારે ઉત્તર પ્રદેશમાં બીજા તબક્કા માટે 55 બેઠક પર મતદાન થશે
બધામાં ભાગલા પાડો અને હળીમળીને લૂંટ ચલાવો તે કોંગ્રેસની નીતિ છે : ઉત્તરાખંડમાં મોદીએ રેલી સંબોધી
નવી દિલ્હી : ઉત્તર પ્રદેશ સહિતના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે. એવામાં ઉત્તરાખંડ, ગોવા સહિત યુપીની 55 બેઠકો પરનો ચૂંટણી પ્રચાર થંભી ગયો છે. હવે 14મી તારીખે મતદાન થશે. ઉત્તર પ્રદેશમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયું છે જ્યારે બીજા તબક્કા માટે 55 બેઠકો પર મતદાન યોજવામાં આવશે.
બીજી તરફ ઉત્તરાખંડની 70 અને ગોવાની 40 બેઠકો પર એક જ તબક્કામાં મતદાન યોજાશે. ઉત્તર પ્રદેશમાં બીજા તબક્કા માટે 55 વિધાનસભા બેઠકો પર ચૂંટણી પ્રચાર થંભી ગયો હતો. ચૂંટણી પ્રચારનો શોર સાંજે પાચ વાગ્યે શાંત પડી ગયો હતો. ઉત્તરાખંડ અને ગોવામાં પણ એક તબક્કામાં મતદાન યોજાશે. જે માટે શનિવારે પ્રચારનો અંતિમ દિન હતો.
સાંજે પાંચ વાગ્યે આ બન્ને રાજ્યોમાં પણ ચૂંટણી પ્રચારનો શોર થંભી ગયો હતો. નોંધનીય છે કે ઉત્તર પ્રદેશમાં સાત તબક્કામાં મતદાન યોજાવા જઇ રહ્યું છે. જેમાં પ્રથમ તબક્કાનું 10મીએ જ પૂર્ણ થઇ ગયું હતું જ્યારે બીજા તબક્કામાં 55 બેઠકો માટે 14મી ફેબુ્રઆરીએ મતદાન થશે. ઉત્તરાખંડમાં તમામ 70 અને ગોવાની તમામ 40 બેઠકો પર એક જ તબક્કામાં 14મી ફેબુ્રઆરીએ વોટિંગ યોજવામાં આવશે.
ચૂંટણી પ્રચારના અંતિમ દિને અલગ અલગ રાજ્યોમાં રાજકીય પક્ષોએ પ્રચાર કર્યો હતો. અંતિમ દિને પીએમ મોદીએ ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં રેલીઓ યોજી હતી. જ્યારે કેંદ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ ઉત્તરાખંડમાં અંતિમ દિને પક્ષના ઉમેદવારો માટે પ્રચાર કર્યો હતો.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ અંતિમ દિને પ્રચાર કર્યો હતો. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ પર ભાગલા પાડવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસની નીતિ બધામાં ફૂટ પાડો, મળીને લૂટ કરો છે.
વિવિધ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ વચ્ચે ચૂંટણી પંચે ચૂંટણી રાજ્યોમાં પદયાત્રાને છૂટ આપી હતી. આ દરમિયાન કોરોના પ્રોટોકોલનું કડકાઇથી પાલન કરવાનો આદેશ પણ આપ્યો હતો. જ્યારે ખુલ્લામાં જાહેર સભાઓમાં બેઠકોની કુલ કેેપેસિટીમાંથી માત્ર 50 ટકા લોકોેને જ હાજર રહેવાની અનુમતી આપવામાં આવી છે. કોરોનાને ધ્યાનમાં રાખીને 8મી જાન્યુઆરીથી પાંચ રાજ્યોમાં રેલીઓ અને સભાઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.
ઉત્તર પ્રદેશમાં બીજા તબક્કામાં 14મીએ મતદાન યોજાશે. એવામાં બીજા તબક્કામાં 9 જિલ્લાની 55 બેઠકોને આવરી લેવામાં આવશે. જોકે બીજા તબક્કામાં રાજ્યના અનેક દિગ્ગજ નેતાઓનું ભવિષ્ય પણ ઇવીએમમાં સીલ થવા જઇ રહ્યું છે. જેમાં પૂર્વ મંત્રી ધર્મપાલસિંહ, કમાલ અખ્તર, મેહબૂબ અલી, સપાના દિગ્ગજ નેતા આઝમ ખાનનો પણ સમાવેશ થાય છે. અગાઉ બીજા તબક્કાની આ 55 બેઠકોમાંથી સાત પર ભાજપે ગત વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવી હતી.