Satya Tv News

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની આગેવાની હેઠળની બેંકોના કન્સોર્ટિયમ સાથે રૂ. 22,842 કરોડથી વધુની કથિત છેતરપિંડી સાથે સંબંધિત છે આ કેસ, જેની તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવી રહી છે.

દેશના સૌથી મોટા બેંક ફ્રોડ કેસમાં તપાસ એજન્સીઓ સક્રીય થઈ છે. EDએ આ કેસમાં એબીજી શિપયાર્ડ વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે. સીબીઆઈ પહેલા જ ABG શિપયાર્ડ કંપની અને તેના અધિકારીઓ સામે કેસ નોંધી ચૂકી છે. આ મામલો લગભગ 23 હજાર કરોડ રૂપિયાની છેતરપિંડીનો છે. જેમાં બેંકોના એક જૂથ સાથે છેતરપિંડીનો આરોપ છે.

સીબીઆઈના સૂત્રોના જણાવ્યા અનુસાર, ABG શિપયાર્ડ કંપનીએ તેની લગભગ 100 સહયોગી કંપનીઓમાં નાણાંનું રોકાણ કર્યું છે, જેની તમામ વિગતો જાણવા માટે તપાસ તેજ કરવામાં આવી છે. આની સાથેસાથે જ આ મામલે રાજકારણ પણ તેજ થઈ ગયું છે. સરકારે કહ્યું છે કે આ કંપનીના ખાતાને વર્ષ 2013માં જ NPA જાહેર કરવામાં આવ્યું છે. સાથે જ વિપક્ષ કાર્યવાહીમાં વિલંબનો આરોપ લગાવીને સરકાર સામે સવાલો કરી રહ્યો છે.

અન્ય સહયોગી કંપનીઓમાં પૈસા છુપાવવાનો આરોપ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ABG શિપયાર્ડે 98 પેટાકંપનીઓમાં નાણાંનું રોકાણ કર્યું હતું. સીબીઆઈ હવે આ રકમનો ઉપયોગ કયા કરાયો છે, અને પૈસા કેવી રીતે છુપાવવામાં આવ્યા તે અંગે તપાસ આગળ વધારી રહી છે. અહેવાલો અનુસાર, સીબીઆઈ કોર્ટમાં કેસ દાખલ કરતા પહેલા તેના દાવાઓને તમામ રીતે મજબૂત કરવા માટે સાવચેતીપૂર્વકના પગલાં લઈ રહી છે. જેથી તે કેસની સુનાવણી દરમિયાન મક્કમતાથી છેતરપિંડી કરાઈ હોવાનો કાનુની પક્ષ રાખી શકે.

કોની કોની સામે નોંધાયા કેસ ?
અગાઉ શનિવારે, સીબીઆઈએ દેશના સૌથી મોટા બેંક ફ્રોડ કેસમાં એબીજી શિપયાર્ડ લિમિટેડ અને તેના તત્કાલીન ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ઋષિ કમલેશ અગ્રવાલ સહિત અન્ય સંબંધિત લોકો સામે કેસ નોંધ્યો હતો. સીબીઆઈના અધિકારીઓએ શનિવારે જણાવ્યું હતું કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની આગેવાની હેઠળની બેંકોના કન્સોર્ટિયમમાંથી રૂ. 22,842 કરોડથી વધુની કથિત છેતરપિંડીના સંદર્ભમાં કેસ નોંધવામાં આવ્યો હતો.

અગ્રવાલ ઉપરાંત, એજન્સીએ તત્કાલિન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સંથાનમ મુથાસ્વામી, ડિરેક્ટરો – અશ્વિની કુમાર, સુશીલ કુમાર અગ્રવાલ અને રવિ વિમલ નેવેટિયા અને અન્ય કંપની એબીજી ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ પર કથિત રૂપે ગુનાહિત કાવતરું, છેતરપિંડી, વિશ્વાસના ગુનાહિત ભંગ અને સત્તાવાર ગેરરીતિનો કેસ દાખલ કર્યો છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ લોકો પર ભારતીય દંડ સંહિતા અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

error: