પેટમાં દુ:ખાવો થતાં તપાસમાં ગર્ભ હોવાનું ખૂલતાં ફરિયાદ
હોસ્પિટલના પરિક્ષણમાં અઢી માસનો ગર્ભ નીકળ્યો, તબીબે પોલીસને જાણ કરતાં 1ની ધરપકડ
એક બળાત્કારી ઘર ખાલી કરીને ગયો તો ભાડે રહેવા આવેલા બીજા પાડોશીએ પણ શિકાર બનાવી
પુણાગામમાં રહેતી 15 વર્ષીય કિશોરી સાથે તેની પાડોશમાં રહેતા જ અજય સોનીએ તેની સાથે મિત્રતા કેળવી હતી. આરોપી અજય સોની કિશોરીને મિત્રતાના નામે ભોળવીને એક હોટલમાં લઇ ગયો હતો. જ્યાં નરાધમ અજય સોનીએ કિશોરી સાથે બળાત્કાર ગુજાર્યો હતો. તેના થોડાક સમય બાદ નરાધમ અજય સોની આ ઘર ખાલી કરીને શહેરમાં અન્ય સ્થળે રહેવા જતો રહ્યો હતો.
આરોપી અજય સોનીના જવા બાદ તે રૂમમાં યુસુફ શેખ નામનો શખ્સ ભાડેથી રહેવા આવ્યો હતો. નરાધમ યુસુફ શેખે પણ કિશોરી રૂમમાં બોલાવી પરિચય કેળવ્યો હતો. જોકે કિશોરી નરાધમ યુસુફ શેખને અંકલ તરીકે સંબોધિત કરતી હતી. પરંતુ નરાધમે આ સંબંધની લાજ રાખ્યા વિના કિશોરી પર વારંવાર રેપ ગુજાર્યો હતો.
એક દિવસ અચાનક કિશોરીને પેટમાં દુખાવો થતાં પરિવાર તબીબી તપાસ માટે હોસ્પિટલ લઈ ગયો હતો,જ્યાં તેને અઢી મહિનાનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું. ડોકટરે પોલીસને જાણ કરી હતી. પરિવારે કિશોરીને પૂછતાં બંને નરાધમનો ભાંડો ફુટી ગયો હતો. બંને નરાધમ મજૂરી કરે છે. પુણા પોલીસે અજય અચ્છેલાલ સોની અને યુસુફ અહેમદ શેખ(બન્ને રહે,પુણાગામ,મૂળ રહે,યુપી)ની સામે બળાત્કાર અને પોક્સો હેઠળ ગુનો નોંધી નરાધમ યુસુફની ધરપકડ કરી છે.