Satya Tv News

કાર અનિયંત્રિત થવા પાછળ અનેક કારણો સામે આવ્યા છે જેમાંથી એક દારૂ પીને ડ્રાઈવિંગ કરવાનું પણ જણાવાઈ રહ્યું છે

રાજસ્થાનના કોટા જિલ્લામાં રવિવારે સવારે એક મોટી દુર્ઘટના બની હતી જેમાં જાન લઈને જઈ રહેલી એક ગાડી પોતાનું નિયંત્રણ ગુમાવતા ચંબલ નદીમાં ખાબકી હતી.કાર કોટાના નયાપુરા પુલ પરથી નદીમાં ખાબકતાં 9 લોકોનું દર્દનાક મોત થયું છે. આ અંગે જાણ થતાં જ પોલીસ અને પ્રશાસન ઘટના સ્થળે દોડી ગયું હતું. જાણવા મળ્યા મુજબ કારમાં સવાર લોકો જાનૈયાઓ હતા અને મૃતકોમાં વરરાજાનો પણ સમાવેશ થાય છે. કાર અનિયંત્રિત થવા પાછળ અનેક કારણો સામે આવ્યા છે જેમાંથી એક દારૂ પીને ડ્રાઈવિંગ કરવાનું પણ જણાવાઈ રહ્યું છે. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે ગાડીને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી.

જાણવા મળ્યા મુજબ જાનૈયાઓ સવારે 5:30 કલાકે સવાઈ માધોપુરથી નીકળ્યા હતા અને ઉજ્જૈન (મધ્ય પ્રદેશ) જઈ રહ્યા હતા. આ દરમિયાન ગાડી કોટા ખાતે નયાપુરા પુલ પરથી અનિયંત્રિત થઈને ચંબલ નદીમાં પડી હતી. કારમાં સવાર લોકોએ કાચ ખોલવા પ્રયત્ન કર્યો હતો પરંતુ માત્ર એક જ કાચ ખુલી શકતાં 7 લોકોના કારમાં જ મોત થયા હતા જ્યારે બાકીના 2 લોકોની લાશ નદીમાં ખૂબ દૂર નીકળી ગઈ હતી. સ્થાનિકોએ સવારે કાર જોઈ એટલે પોલીસમાં સૂચના આપી હતી અને રાહત-બચાવકાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.

પોલીસની ડૂબકીબાજોની ટીમે અત્યાર સુધીમાં 9 મૃતદેહ બહાર કાઢ્યા છે અને હજુ અન્ય કોઈ વ્યક્તિ કારમાં સવાર હતી કે નહીં તેની તપાસ ચાલુ છે. તમામ મૃતદેહને એમબીએસ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ આ અકસ્માત અંગે દુખ વ્યક્ત કર્યું હતું અને તમામ સંભવિત મદદ કરવા આશ્વાસન આપ્યું હતું. આ સાથે જ તેમણે પ્રશાસનને મદદ કરવા નિર્દેશ પણ આપ્યા હતા.

error: