Satya Tv News

પુતિને ધમકી આપતા કહ્યું હતું કે રશિયા અને યુક્રેન વચ્ચે જો કોઈ દખલગીરી કરશે તો પરિણામ ખૂબ જ ખરાબ આવશે. તેમનો ઈશારો અમેરિકા અને નાટો તરફનો હતો.

યુક્રેન વિવાદમાં રશિયા ફરી એકવાર ચીનની સાથે ઉભું જોવા મળી રહ્યું છે. ચીનના વિદેશ મંત્રાલયે ગુરુવારે કહ્યું કે અમેરિકા અને પશ્ચિમી દેશોએ રશિયા પર જે પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે તેનો કોઈ અર્થ નથી, કારણ કે આ પ્રકારની ક્રિયાઓથી વિવાદનો ઉકેલ આવવાને બદલે તેમાં વધારો થશે. મિસાઈલ હુમલામાં યુક્રેનનાં 9 નાગરિકોના મોત થયા છે.

રશિયાના રાષ્ટ્રપતિએ યુક્રેન સામે યુદ્ધની જાહેરાત કરી છે. યુદ્ધની જાહેરાત કરતાંની સાથે જ રશિયાએ યુક્રેનની રાજધાની કિવ સહિત 11 શહેર પર એકસાથે હુમલો કર્યો છે. યુક્રેનની રાજધાની કિવમાં મિસાઈલથી હુમલો કર્યો છે. લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યા છે. રશિયાએ કહ્યું છે કે યુક્રેનના લોકોને જોખમ નથી, માત્ર સૈન્ય ઠેકાણાં જ નિશાન પર છે. સામે પક્ષે યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું છે કે દરેક હુમલાના જવાબ આપવામાં આવશે. રશિયાને રોકવા માટે આજે EU અને UNમાં મહત્ત્વની બેઠક મળી છે.

રશિયાના રાષ્ટ્રપતિના યુદ્ધની જાહેરાતના આ નિવેદનની 5 મિનિટ બાદ જ યુક્રેનમાં રાજધાની કિવ સહિત અનેક પ્રાંતોમાં 12 જેટલા બ્લાસ્ટ થયા હતા. રાજધાની કિવમાં મિસાઈલ હુમલો કરવામાં આવ્યો છે. એરપોર્ટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે. આ કારણે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોનું રેસ્ક્યૂ મિશન પણ અટકાવવામાં આવ્યું છે. યુક્રેન ગયેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ જોખમની ચેતવણીને કારણે પરત ફરી હતી.

યુક્રેને પણ રશિયાના આ હુમલાનો જવાબ આપ્યો છે અને યુક્રેને રશિયાનાં 6 એરક્રાફ્ટ તોડી પાડ્યાં છે. યુક્રેને કહ્યું હતું કે અમે આ હુમલાનો જવાબ આપીશું અને આ યુદ્ધ જીતીશું. આ જ સમય છે કે હવે સમગ્ર વિશ્વએ રશિયાને જવાબ આપવો જોઈએ અને તેને રોકવું જોઈએ.

યુક્રેનનાં ચાર શહેરમાં મિસાઈલ હુમલા થયા છે. યુક્રેનની રાજધાની કિવ પર ક્રૂઝ અને બેલિસ્ટિક મિસાઇલોથી હુમલા કરવામાં આવ્યા છે. કિવ, ખાર્કિવ સહિત ચાર શહેર પર મિસાઈલ હુમલો કરવામાં આવ્યો છે.

એર ઈન્ડિયાની ફ્લાઈટ AI1947 યુક્રેનના કિવમાં NOTAM (નોટિસ ટુ એર મિશન)ને કારણે દિલ્હી પરત ફરી છે.
યુક્રેનમાં માર્શલ લો લાગુ કરાયો છે એટલે કે ત્યાંની કાયદો અને વ્યવસ્થા હવે સેનાએ પોતાના હાથમાં લઈ લીધી છે.
યુક્રેનની રાજધાની કિવમાં અનેક જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ થયા છે. કિવ એરપોર્ટ ખાલી કરવામાં આવ્યું છે.
રશિયાએ કિવમાં પણ મિસાઈલ હુમલો કર્યો છે. યુક્રેનના અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી છે.
રશિયન હુમલા બાદ યુક્રેન તરફથી યુદ્ધ રોકવાની અપીલ કરવામાં આવી છે.
રશિયન સૈનિકો ક્રિમિયા થઈને યુક્રેનમાં પ્રવેશ કરી રહ્યા છે. બે લાખથી વધુ રશિયન સૈનિકો સરહદ પર તહેનાત છે.
UN ચીફે પુતિનને કહ્યું હતું કે યુક્રેન પર હુમલા કરતાં તમારા જવાનોને અટકાવો. યુક્રેનના મુદ્દે UNની ત્રણ દિવસમાં બીજી બેઠક યોજાઈ.

રશિયાનો દાવો – યુક્રેનિયન શહેરોને નિશાન બનાવાયાં નથી, સૈન્ય ઠેકાણાંને નષ્ટ કરવામાં આવી રહ્યાં છે
યુક્રેનમાં મિસાઈલ હુમલા અને વિસ્ફોટો વચ્ચે રશિયાએ નિવેદન જાહેર કર્યું છે. રશિયાએ કહ્યું છે કે અમારું લક્ષ્ય યુક્રેનનાં શહેરો નથી. અમારાં શસ્ત્રો યુક્રેનનાં લશ્કરી ઠેકાણાં, એરફિલ્ડ્સ, હવાઈ સંરક્ષણ સુવિધાઓ અને એવિએશનનો નાશ કરી રહ્યાં છે. યુક્રેનના લોકો માટે કોઈ ખતરો નથી.

પુતિનની યુદ્ધની જાહેરાત બાદ તરત જ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને પુતિનના આ પગલાની નિંદા કરી હતી. આ બાબતે બાઈડને પ્રતિક્રિયા આપતાં કહ્યું હતુ કે પુતિનના આ નિર્ણયના ખૂબ જ ખરાબ પરિણામ આવશે. આ બાબતે સમગ્ર વિશ્વ અમારી સાથે છે, પુતિનના આ નિર્ણય સામે તેમને જવાબ આપવામાં આવશે. રશિયન હુમલા બાદ યુક્રેનમાં માર્શલ લો લાગુ કરી દેવામાં આવ્યો છે. યુક્રેન તરફથી યુદ્ધ રોકવાની અપીલ કરવામાં આવી છે. યુક્રેન પર રશિયાના હુમલા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું છે કે આ હુમલાથી થનારાં મૃત્યુ અને વિનાશ માટે એકલું રશિયા જ જવાબદાર છે. અમેરિકા અને તેના સાથી દેશો સંયુક્ત અને નિર્ણાયક રીતે જવાબ આપશે. વિશ્વ આ માટે રશિયાને જ જવાબદાર માનવામાં આવશે.

બીજી તરફ, રશિયાના રાષ્ટ્રપતિ પુતિને નાટોને પણ ધમકી આપી છે કે જો યુક્રેનને સહયોગ આપશો તો પરિણામ પણ ભોગવવાં પડશે. આ નિવેદન બાદ તરત જ યુક્રેનમાં વિદ્રોહીઓના કબજાવાળા વિસ્તારમાં મોટા વિસ્ફોટ થયાના અહેવાલો છે. અહેવાલો અનુસાર, ક્રમાતોસ્કમાં વિસ્ફોટ થયાના અહેવાલો છે. રશિયન સેના ક્રિમિયા થઈને યુક્રેનમાં ઘૂસી રહી છે. પુતિને આ જાહેરાત UNSCની બેઠક વચ્ચે જ કરી હતી. રશિયા-યુક્રેન તણાવ પર જ આ બેઠક ચાલી રહી છે, હવે રશિયા પર કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે.

રશિયાના રાષ્ટ્રપતિએ પણ યુક્રેન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહીની જાહેરાત કરતાં મોટી ધમકી આપી છે. એમાં એવું કહેવામાં આવ્યું છે કે ‘જે કોઈ બહારથી આમાં દખલગીરી કરવા માગે છે, જો તેઓ આવું કરશે તો તેમણે એનાં પરિણામો ભોગવવાં પડશે, જે તેણે ઇતિહાસમાં પહેલાં ક્યારેય નહીં જોયાં હોય’. પુતિને કહ્યું હતું કે રશિયા કોઈપણ ધમકીને સહન નહીં કરે અને દખલગીરી કરનારને છોડશે નહીં. તમામ જરૂરી નિર્ણયો લેવામાં આવ્યા છે. મને આશા છે કે તમે મને સાંભળ્યો હશે.’

પોતાની ઈમર્જન્સી સ્પીચમાં પુતિને કહ્યું હતું કે આ વિવાદ અમારા માટે જીવન અને મૃત્યુનો સવાલ છે. તેમણે (યુક્રેન) લાલ રેખા પાર કરી નાખી છે. તેમણે કહ્યું હતું કે યુક્રેન નિયો-નાઝીને સમર્થન કરી રહ્યું છે, તેથી અમે વિશેષ લશ્કરી ઓપરેશન શરૂ કરી દીધું છે.

રશિયાએ પોતાના સંબોધનમાં યુક્રેનના સૈનિકોને પણ સંબોધ્યા હતા. તેણે કહ્યું હતું કે તમારા પૂર્વજો નાઝીઓ સાથે લડ્યા હતા. કિવ (યુક્રેનની રાજધાની)ના નાઝીઓના આદેશોનું પાલન ન કરો. તમારાં હથિયારો નીચે મૂકો અને ઘરે જાઓ. જ્યારે પુતિને નાટોને કહ્યું, આ (લશ્કરી કાર્યવાહી)નું જે પણ પરિણામ આવે, અમે તૈયાર છીએ. અમારા તરફથી તમામ નિર્ણયો લેવામાં આવ્યા છે. પુતિને યુક્રેનિયન સૈન્યને “શસ્ત્રો નીચે” મૂકવાની પણ અપીલ કરી છે. બે લાખથી વધુ રશિયન સૈનિકો સરહદ પર તહેનાત છે.

યુક્રેન બોર્ડર પર યુદ્ધની પરિસ્થિતિને કારણે ઘણી એરલાઈન્સે તે વિસ્તારને Do Not Fly zone જાહેર કર્યો છે. યુરોપિયન કેરિયર્સ પણ યાદીમાં સામેલ છે. કોમર્શિયલ એવિએશને સ્પષ્ટતા કરી છે કે યુક્રેન-રશિયા સરહદ હવે પ્રતિબંધિત જગ્યા છે. ખાર્કિવ સહિત યુક્રેનના ઘણા એરપોર્ટે હવે તમામ ફ્લાઈટ્સ સ્થગિત કરી દીધી છે.

યુક્રેનના કિવ એરપોર્ટને ખાલી કરાવવામાં આવ્યું છે. ત્યાં હાજર સ્ટાફ અને મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા છે. હાલમાં વિદેશના ત્રણ વિમાનો છે. જેણે ઉડાન ભરવાની હતી. પરંતુ તેઓ ટેક-ઓફ કરી શક્યા ન હતા. આ દરમિયાન યુક્રેનના વિદેશ પ્રધાને કહ્યું કે પુતિને સંપૂર્ણપણે હુમલો શરૂ કરી દીધો છે. શાંતિપૂર્ણ યુક્રેન પર હુમલો કરવામાં આવ્યો છે. આ આક્રમકતાનું યુદ્ધ છે. યુક્રેન આમાં પોતાનો બચાવ કરશે અને જીતશે.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિનને તેમના દેશની બહાર લશ્કરી બળનો ઉપયોગ કરવાનો અધિકાર આપવામાં આવ્યા પછી યુક્રેને બુધવારે દેશવ્યાપી ઈમર્જન્સીની સ્થિતિ જાહેર કરી છે. આ દરમિયાન પશ્ચિમી દેશોએ રશિયા સામે અનેક પ્રતિબંધોની જાહેરાત કરી અને મોસ્કોએ યુક્રેનમાંથી તેના દૂતાવાસની જગ્યા ખાલી કરી અને રાજદ્વારી કર્મચારીઓને બહાર કાઢી લીધા છે. યુક્રેનના સાંસદોએ રાષ્ટ્રવ્યાપી ઈમર્જન્સી લગાવવાના રાષ્ટ્રપતિ વોલોડિમીર ઝેલેન્સ્કીના આદેશને મંજૂરી આપી છે જે ગુરુવારથી શરૂ થતા 30 દિવસ સુધી અમલમાં રહેશે.

રશિયાની સરકારી સમાચાર એજન્સી તાસે બુધવારે કહ્યું હતું કે મોસ્કોએ યુક્રેનમાં તેના દૂતાવાસને ખાલી કરી દીધું છે, સાથે જ યુક્રેને પણ પોતાના નાગરિકોને રશિયા છોડી દેવાની વિનંતી કરી હતી. મોસ્કોનું કિવમાં દૂતાવાસ છે.

યુએનએસસી આજે બીજી વખત યુક્રેન બાબતે બેઠક
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) યુક્રેન પર ચર્ચા કરવા માટે આ અઠવાડિયે બીજી વખત સત્ર બોલાવવા જઈ રહી છે. આ સત્ર ગુરુવારે ભારતીય સમય અનુસાર સવારે 8:00 વાગ્યે (21:30 EST) શરૂ થવાની આશા છે.

અમેરિકાએ પાકિસ્તાનને આપી સલાહ ,પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાનની મોસ્કો (રશિયા) મુલાકાત પર, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે કહ્યું, “યુક્રેનમાં રશિયાની કાર્યવાહી સામે વાંધો ઉઠાવવો એ દરેક દેશની જવાબદારી છે.”

સ્વિટ્ઝર્લેન્ડનું કહેવું છે કે તે યુક્રેનને લઈને ભારે વિવાદને પગલે રશિયા પર પ્રતિબંધો લાદશે નહીં. આજે સરકારી તંત્ર અને દેશના મંત્રીઓ સાથેની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જ્યારે મંત્રીઓએ રશિયા દ્વારા ડોનેત્સ્ક અને લુહાન્સ્કની માન્યતાને આંતરરાષ્ટ્રીય કાયદાના ઉલ્લંઘન તરીકે વખોડી કાઢી હતી.

અમેરિકાની ચેતવણી- રશિયાની યુક્રેનમાં ઘૂસણખોરીથી 50 લાખ લોકો બેઘર થઈ જશે
બુધવારે રાત્રે UN જનરલ એસેમ્બ્લીની બેઠક સમયે અમેરિકાએ ચેતવણી આપી હતી કે જો રશિયાએ યુક્રેનમાં ઘૂસણખોરી કરી તો તેનું પરિણામ ભયાનક આવશે. UNમાં અમેરિકાના રાજદૂત લિંડા થોમસે કહ્યું- જો રશિયા તેનો માર્ગ નહીં બદલે અને યુક્રેનમાં ઘૂસણખોરી કરશે તો ત્યાં 50 લાખ લોકો બેઘર થઈ જશે. વિશ્વ સમક્ષ એક વિશાળકાય શરણાર્થી સંકટ ઊભું થશે. આ સંકટ એટલું વિશાળ હશે કે જેનો આ અગાઉ ઈતિહાસમાં આપણે ક્યારેય સામનો કર્યો નહીં હોય.

બીજી બાજુ, રશિયા-યુક્રેન વિવાદ વચ્ચે રશિયાએ કિવથી પોતાના રાજદ્વારીઓને પરત બોલાવવાની જાહેરાત કરવા સાથે જ તેના દૂતાવાસને ખાલી કરવાની શરૂઆત કરી દીધી છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જેને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે જાહેર કર્યા હતા એ યુક્રેનના પૂર્વ વિસ્તાર સાથે રશિયાએ પોતાના રાજકીય સંબંધની પણ શરૂઆત કરી દીધા છે. રશિયાના આ પગલા બાદ યુરોપિયન યુનિયન, બ્રિટન તથા અમેરિકા સતત સક્રિય બની ગયા છે. આ ઉપરાંત રશિયા વિરુદ્ધ રણનીતિ નક્કી કરવા માટે યુરોપિયન યુનિયન (EU)ની ગુરુવારે ખૂબ જ મહત્ત્વની બેઠક યોજાવા જઈ રહી છે.

બ્રિટન અને અમેરિકાએ રશિયા પર નવા પ્રતિબંધો લાદવાની પણ જાહેરાત કરી દીધી છે. બીજી બાજુ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ની મહત્ત્વની બેઠક પણ શરૂ થઈ ગઈ છે. આ બેઠકમાં બન્ને દેશ વચ્ચે પ્રવર્તી રહેલી સ્થિતિ અંગે ચર્ચા ચાલી રહી છે. રશિયા દ્વારા જે પગલાં ભરવામાં આવ્યાં છે એ અંગે પણ ચર્ચા ચાલી રહી છે.

ચીને અમેરિકા પર યુક્રેન સંકટ અંગે ભય તથા દહેશતનો માહોલ ઊભો કરવાનો આરોપ લગાવ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ ચુનયિંગે જણાવ્યું હતું કે રશિયા પર લાદવામાં આવેલા પ્રતિબંધનો ચીન વિરોધ કરે છે અને ચીન પણ પોતાના અગાઉના વલણ પર અડગ છે.

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલી તંગદિલી વધી રહી છે અને બન્ને દેશ એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે. દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિએ એક મોટું નિવેદન આપતાં કહ્યું હતું કે રશિયાને અમને સુરક્ષાની ખાતરી આપવી જોઈએ. હું અનેક વખત કહી ચૂક્યો છું કે રશિયાના રાષ્ટ્રપતિએ વાતચીતના ટેબલ પર આવવું જોઈએ.

error: