Satya Tv News

મહેસાણાના ગાંધીનગર લિંક રોડ પર ગોકુલધામ ફ્લેટ સામે ઝૂંપડામાં રહેતા પરિવારની રાત્રે 3 વાગે ગુમ બાળકીની લાશ બાજુના ખેતરમાંથી મળી
જોકે પોલીસે કહ્યું- માતા અને તેના કાકાની શંકાના આધારે હાલ પૂછપરછ ચાલે છે, અજાણ્યા શખસો સામે હત્યાનો ગુનો નોંધ્યો છે
મહેસાણા શહેરના ગાંધીનગર લિંક રોડ પર આવેલા ગોકુલધામ ફ્લેટ સામેની ઝૂંપડીમાં માતા સાથે રહેતી 3 વર્ષની બાળકી ગઇરાત્રે 3 વાગે ગુમ થયા બાદ બુધવારે સવારે બાજુના ખેતરમાંથી ગળે દુપટ્ટો વીંટેલી હાલતમાં તેની લાશ મળી આવતાં ચકચાર મચી ગઇ હતી. તપાસ દરમિયાન પોલીસ ડોગ મૃતક બાળકીની માતા સામે આવીને ઊભો રહેતાં પોલીસે શંકાના આધારે પૂછપરછ હાથ ધરી હતી.

વિશ્વસનીય સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, માતાએ ગુનો કબૂલી લીધો છે અને ગુરુવારે કોવિડ ટેસ્ટ બાદ કાયદેસર ધરપકડ કરવામાં આવશે. સૂત્રો મુજબ, આ મહિલાને પ્રેમી સાથે ભાગી જવું હોઇ બાળકી કાંટારૂપ જણાતાં મારી નાખી હોવાનું પ્રાથમિક અનુમાન છે. ગોકુલધામ ફ્લેટની સામે ઝૂંપડીમાં રહેતી રાધિકા અરવિંદ સાંગરણા તેની 3 વર્ષની પુત્રી સોનાક્ષી સાથે સૂતી હતી. ત્યારે રાત્રે 3 વાગે બાળકી જોવા ન મળતાં આસપાસની ઝૂંપડીમાં રહેતા લોકોને જગાડી શોધખોળ હાથ ધરી હતી.

બુધવારે સવારે સાતેક કલાકે ઝૂંપડીની બાજુના ખેતરમાંથી ગળે દુપટ્ટો વીંટેલી હાલતમાં બાળકીનો મૃતદેહ મળી આવતાં એસપી ડો.પાર્થરાજસિંહ ગોહીલ સાથે એ ડિવિઝન, એલસીબી, એસઓજી, એફએસએલ અને ડોગ સ્કવોડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યાં પોલીસે હાજર તમામનાં નિવેદન સાથે પંચનામું કર્યું હતું. બાળકીના મૃતદેહને સિવિલમાં ડોક્ટરની પેનલ દ્વારા પીએમ કરાયુું હતું. આ મામલે મહેસાણા એ ડિવિઝન પોલીસે હાલના તબક્કે અજાણ્યા શખ્સો સામે અપહરણ અને હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

હત્યાની જાણ થતાં એસપી ડો.પાર્થરાજસિંહ ગોહિલે FSL ટીમે સાથે ડોગ સ્કવોડને ઘટનાસ્થળે બોલાવી લીધી હતી. પોલીસ-ડોગને બાળકીના ગળામાં વીંટેલો દુપટ્ટો સુંઘાડ્યો હતો. ત્યાર બાદ ડોગ એક લાઇનમાં ઊભેલા 25 મજૂર પાસેથી પસાર થતાં મૃતક બાળકીની માતા રાધિકા પાસે આવીને ઊભો રહ્યો હતો, આથી તેને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઇ જવાઇ હતી.

મહેસાણા એ-ડિવિઝન પોલીસની હદમાંથી સોનાક્ષી સાંગરણા નામની બાળકીની લાશ મળી છે. એફએસએલ અને ડોગ-સ્કવોડ દ્વારા વિઝિટ કરાઇ છે. એફએસએલ ટીમના મત મુજબ ગળેટૂંપો આપી બાળકીની હત્યા નિપજાવામાં આવી છે. હવે તેની પાછળના કારણો શું છે અને શા માટે આ બાળકીની હત્યા કરાઇ છે તેની તપાસ હાલ પોલીસ દ્વારા ચાલુ છે.

મૃતક સોનાક્ષીની માતા રાધિકા પતિ અરવિંદ સાથે દાહોદમાં રહેતી હતી. જોકે, સાસરીથી રિસાઇને ચારેક મહિના પહેલાં પુત્રી સોનાક્ષીને લઇ મહેસાણા આવી હતી. મહેસાણામાં મજૂરી કરી ગુજરાન ચલાવતી હતી. બાળકીની માતાને આ ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતા જ એક પરિણીત યુવક સાથે પ્રેમસંબંધ હતો. જ્યારે તેનો પતિ બીજી મહિલા સાથે રહે છે. પ્રેમી સાથે જવું હોઇ આ બાળકી કાંટારૂપ હોઇ તેના પ્રેમી સાથે મળીને જ હત્યા કરી હોવાનું હાલના તબક્કે મનાય છે. જોકે, ડીવાયએસપી આર.એન. દેસાઇએ જણાવ્યું કે,હાલ તો માતા અને તેના કાકાની શંકા આધારે પૂછપરછ ચાલી રહી છે અને ઘટનાનું મૂળ શોધવા એલસીબીની 4, એસઓજીની 2 અને એ ડિવિઝનની 3 મળી 9 ટીમ તમાસમાં જોડાઇ છે.​​​​

error: