કહેવાય છે કે રુદ્રાક્ષ ભગવાન શિવની અશ્રુમાંથી નિર્માણ પામ્યું છે. એટલે મહાશિવરાત્રીએ રુદ્રાક્ષના શિવલિંગનું વિશેષ મહત્વ છે, જેથી આ શિવલિંગના દર્શનનો લાભ લેવા હજારો ભક્તો ધામડોદ ખાતે ઉમટી પડ્યા હતા.
સુરત જિલ્લાના પલસાણા નજીક ધામડોદ ગામ માં સવા પંદર ફૂટ ઊંચા વિરાટ રુદ્રાક્ષ શિવલિંગ નું અનાવરણ કરવામાં આવ્ય છે. સંતો, આગેવાનો અને શિવભક્તોની હાજરીમાં શિવરાત્રિના દિવસે સવારે શિવલિંગનું અનાવરણ કરવામાં આવ્યુ. અંદાજે 9 લાખ રુદ્રાક્ષથી બનેલું આ વિરાટ શિવલિંગ અદભુત છે.
રુદ્રાક્ષનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ ખુબ અનેરું છે અને મહાશિવરાત્રી અવસરે પાર્થિવ શિવલિંગના નિર્માણનું પણ વિશેષ મહત્વ છે, કહેવાય છે કે રુદ્રાક્ષ ભગવાન શિવની અશ્રુમાંથી નિર્માણ પામ્યું છે. એટલે મહાશિવરાત્રીએ રુદ્રાક્ષના શિવલિંગનું વિશેષ મહત્વ છે, જેથી આ શિવલિંગના દર્શનનો લાભ લેવા હજારો ભક્તો ધામડોદ ખાતે ઉમટી પડ્યા હતા. ભાગવતઆચાર્ય પૂજ્ય પંકજભાઈ વ્યાસની નિશ્રામાં યોજાયેલા શિવલિંગના અનાવરણના આ કાર્યક્રમમાં બારડોલી પ્રદેશના ધાર્મિક, સહકારી અને રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા.
બટુકભાઈ વ્યાસ અને મહાશિવરાત્રી ઉત્સવ સમિતિ દ્વારા આ રુદ્રાક્ષ શિવલિંગનું આયોજન કરવામાં આવ્યુ. સમગ્ર વિશ્વમાં રુદ્રાક્ષ વિશેષજ્ઞ તરીકે જાણીતા બટુકભાઈ વ્યાસને રુદ્રાક્ષ શિવલિંગના નિર્માણ માટે પ્રતિષ્ઠિત લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં ચાર વખત સ્થાન પ્રાપ્ત થયું છે. ધર્મ અને અધ્યાત્મ ક્ષેત્રે આવી સિદ્ધિ બહુ જૂજ લોકોને મળી છે. એ શ્રેણીમાં હવે એક નવી જ સિદ્ધિ બટુકભાઈને મળી છે. રુદ્રાક્ષ શિવલિંગની અત્યારે જે આકૃતિ દેખાઈ છે એને બનાવવાની પદ્ધતિ અને પ્રક્રિયા છે એની શરૂઆત બટુકભાઈએ કરી હતી. બટુકભાઈ વ્યાસે કર્મભૂમિ ધરમપુરમાં મહાશિવરાત્રી નિમિત્તે રુદ્રાક્ષ શિવલિંગની સ્થાપના કરીને સૌ પ્રથમ રુદ્રાક્ષના શિવલિંગ બનાવવાની શરૂઆત કરી હતી.
બટુકભાઈ વ્યાસ છેલ્લા 35 વર્ષથી વલસાડ જિલ્લાના ધરમપુરમાં રહીને રુદ્રાક્ષ ઉપર અધ્યાત્મિક સંશોધન કરીને સાચા રુદ્રાક્ષનો દેશ વિદેશમાં પ્રચાર અને પ્રસાર કરે છે. બટુકભાઈએ વિરાટ રુદ્રાક્ષ શિવલિંગ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આ વર્ષે સવા પંદર ફૂટ ઊંચું શિવલિંગ બનાવ્યુ છે. જેની અમે કોવિડ ગાઈડલાઈન મુજબ તૈયારી કરી હતી, આ શિવલિંગ નિર્માણની તૈયારીઓ ત્રણ મહિનાથી ચાલતી હતી. બટુકભાઈ વ્યાસે 11 ઈંચના રુદ્રાક્ષ શિવલિંગ બનાવીને શરૂઆત કરી હતી.