યુક્રેન રશિયા યુદ્ધ અને પેટ્રોલિયમ પેદાશોના વધતા ભાવ વચ્ચે આજે એલપીજી સિલિન્ડરના નવા ભાવ જાહેર થયા. સિલિન્ડરના ભાવમાં 105 રૂપિયાનો જંગી વધારો થયો છે. આ વધારો કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં થયો છે.
આ વધારા સાથે દિલ્હીમાં આજે મંગળવારથી 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ 2012 રૂપિયા થશે. જ્યારે 5 કિલોના સિલિન્ડરના ભાવમાં પણ 27 રૂપિયાનો વધારો થયો છે. હવે દિલ્હીમાં 5 કિલોના સિલિન્ડરનો ભાવ 569 રૂપિયા થશે.
હાલ ક્રૂડ ઓઈલના ભાવ 102 ડોલર પ્રતિ બેરલ પાર ગયા છે. આ જ કારણ છે કે કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં સારો એવો ફેરફાર જોવા મળ્યો છે. અત્રે જણાવવાનું કે ઓક્ટોબર 2021થી એક ફેબ્રુઆરી 2022 વચ્ચે કોમર્શિયલ સિલિન્ડરના ભાવ 170 રૂપિયા વધ્યા છે. તમને જણાવીએ કે 6 ઓક્ટોબર 2021 બાદ ઘરેલુ એલપીજી સિલિન્ડર ન તો સસ્તો થયો છે કે ન તો મોંઘો. એટલે કે ઘરેલુ સિલિન્ડરના ભાવમાં હાલ પૂરતો કોઈ ફેરફાર થયો નથી.
દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે એલપીજી સિલિન્ડરના ભાવમાં માસિક ફેરફાર થતા હોય છે. આ અગાઉ નેશનલ ઓઈલ ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓએ 1 ફેબ્રુઆરીના રોજ 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 91.50 રૂપિયાનો કાપ મૂક્યો હતો.
આ વખતે પણ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. 19 કિલોવાળા એલપીજી સિલિન્ડર 1 માર્ચ એટલે કે આજથી હવે દિલ્હીમાં 1907 રૂપિયાની જગ્યાએ 2012 રૂપિયામાં મળશે. કોલકાતામાં હવે 1987ની જગ્યાએ 2095 રૂપિયામાં મળશે. જ્યારે મુંબઈમાં તેની કિંમત ગવે 1857 રૂપિયાથી વધીને 1963 રૂપિયા થઈ ગઈ છે.