ઝઘડીયાના ઉમધરા નજીક બે મોટરસાયકલ અથડાતા એક ઇસમને ઇજા
અકસ્માતના બે દિવસ બાદ ઇજાગ્રસ્ત ઇસમ બેભાન
બેભાન થઇ જતા સારવાર માટે લઇ જવાયો
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમધરા ગામ નજીક બે મોટરસાયકલ અથડાતા એક ઇસમને ઇજાઓ થઇ હતી, અને અકસ્માતના બે દિવસ બાદ માથામાં થયેલ ઇજાના કારણે તે બેભાન થઇ જતા તેમને વડોદરાના વાઘોડિયા ખાતે સારવાર માટે લઇ જવાયા હતા.
વધુમાં મળતી વિગતો મુજબ ઝઘડીયા તાલુકાના ઉમધરા ગામે રહેતા રણજીતભાઇ સોમાભાઇ વસાવા ગત તા.૨૬ મીના રોજ સાંજના છ વાગ્યાના અરસામાં તેમના પિતરાઇ ભાઇ ભાવેશભાઇ ભુપતભાઇ વસાવા સાથે મોટરસાયકલ લઇને ખેતરે આંટો મારવા ગયા હતા. ખેતરેથી પાછા ફરતા હતા તે દરમિયાન ઉમધરાથી સરસાડ ગામ જવાના રસ્તા નજીક પસાર થતી વખતે અન્ય એક મોટરસાયકલ રણજીતની મોટરસાયકલ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પાછળ બેસેલ ભાવેશભાઇ નીચે પડી ગયા હતા. તેમજ બીજી મોટરસાયકલનો ચાલક પણ મોટરસાયકલ સાથે પડી ગયેલ. અકસ્માત બાદ રણજીતભાઇએ પોતાના મોબાઇલમાં આ મોટરસાયકલનો ફોટો પાડી લીધો હતો. અકસ્માત બાદ અન્ય મોટરસાયકલ ચાલક તેની મોટરસાયકલ લઇને જતો રહ્યો હતો. ઇજાગ્રસ્ત ભાવેશને રાજપારડી ખાતે પ્રાથમિક સારવાર અપાવી હતી. આ ઘટનાના બે દિવસ બાદ ભાવેશભાઇ બેભાન થઇ ગયા હતા. તેમને સારવાર માટે વડોદરા નજીક વાઘોડિયા ખાતે ખાનગી દવાખાનામાં લઇ જવાયા હતા, જ્યાં તેમને માથાના અંદરના ભાગે ગંભીર ઇજા થઇ હોવાનું જણાવાયું હતુ. આ ઘટના બાબતે રણજીતભાઇ સોમાભાઇ વસાવા રહે.ગામ ઉમધરા તા.ઝઘડીયાનાએ અન્ય મોટરસાયકલ ચાલક વિરુધ્ધ રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવી હતી.
વિડિઓ જર્નાલિસ્ટ પ્રકાશ ચૌહાણ સાથે સત્યા ટીવી ઝઘડિયા