ઝઘડીયાના સારસા ગામે એકજ ફળિયાના બે જુથો બાખડતા કુલ આઠ ઇસમો સામે ફરિયાદ
બન્ને પક્ષે ગાળો બોલી માર માર્યો હોવા બાબતે સામસામે ફરિયાદ લખાવાતા ચકચાર
બે જુથો વચ્ચેની તકરારમાં સામસામે પોલીસ ફરિયાદ થવા પામી હતી
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના સારસા ગામે ગતરોજ રાતના એકજ ફળિયાના બે જુથો વચ્ચેની તકરારમાં સામસામે પોલીસ ફરિયાદ થવા પામી હતી.
મળતી વિગતો મુજબ સારસા ગામના પારસી ફળિયામાં રહેતા પુનિયાભાઇ હિરાભાઇ વસાવાએ લખાવેલ ફરિયાદ મુજબ તેઓ ગતરોજ રાતના નવ વાગ્યાના અરસામાં તેમના ઘરે હાજર હતા ત્યારે ફળિયામાં રહેતા રમેશભાઈ રતિલાલ ઉર્ફે બાબર વસાવા, પકો કાલિદાસ વસાવા તેમજ અક્ષય રમણ વસાવા પુનિયાભાઇના ઘરના આંગણામાં આવીને તમે ઘરની બહાર નીકળો એમ કહી માબેન સમાણી ગાળો બોલવા લાગ્યા હતા. ત્યારે પુનિયાભાઇનો છોકરો હરિલાલ તેના પિતાને જગાડીને ઘરની બહાર આવ્યો હતો અને ગાળો કેમ બોલો છો એમ કહેતા રતિલાલ ઉર્ફે બાબર ભયલાલ વસાવા રહે.સારસા લાકડીનો સપાટો લઇને દોડી આવ્યો હતો અને પુનિયાભાઇને જમણા ખભા પાછળ સપાટો માર્યો હતો.આ ઝપાઝપી દરમિયાન પુનિયાભાઇના શર્ટના બટન પણ તુટી ગયા હતા. ઉપરાંત અક્ષય વસાવાએ ડાબા પગની પીંડીમાં લાકડીનો સપાટો માર્યો હતો. આ સંદર્ભે પુનિયાભાઇ હિરાભાઇ વસાવાએ રમેશ રતિલાલ ઉર્ફે બાબર વસાવા, પકો કાલિદાસ વસાવા, અક્ષય રમણ વસાવા તેમજ રતિલાલ ઉર્ફે બાબર ભયલાલ વસાવા તમામ રહે.ગામ સારસા તા.ઝઘડીયા જિ.ભરુચના વિરુધ્ધ રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવી હતી. મારામારીની બીજી ઘટનામાં સારસાના પારસી ફળિયામાં રહેતા રતિલાલ ઉર્ફે બાબર ભયલાલ વસાવાએ લખાવેલ ફરિયાદ મુજબ ગતરોજ રાતના નવેક વાગ્યાના અરસામાં તેઓ ઘરે હાજર હતા તે સમયે ફળિયામાં રહેતા પુનિયા ઉર્ફે ઉક્કડ હિરાભાઇ વસાવા,દશરથ કાલિદાસ વસાવા,કિરણ નાનુ વસાવા તેમજ અક્ષય મનોજ વસાવા ત્યાં આવીને તમે લોકો બહુ દાદા થઇ ગયા છો એમ કહીને ગાળો બોલતા હતા. ત્યારે રતિલાલે કેમ ગાળો બોલો છો એમ કહેતા પુનિયા ઉર્ફે ઉક્કડ હિરા વસાવાએ હાથમાંની કુહાડી રતિલાલને માથાના ભાગે અછળતી મારી દેતા ચામડી ફાટીને લોહી નીકળ્યુ હતું. આ ઝપાઝપી દરમિયાન તેની સાથેના અન્ય ઇસમોએ પણ મારામારી કરી હતી. આ ઘટના દરમિયાન મોટરસાયકલને પણ નુકશાન કરવામાં આવ્યું હતું. ઉપરાંત આ લોકોએ ફરિયાદી રતિલાલ વસાવાના ઘરની નજીકમાં રહેતી એક મહિલાની મોટરસાયકલને પણ સપાટો મારતા આગળની લાઇટ તુટી ગઇ હતી. મારામારીની આ ઘટના બાબતે રતિલાલ ઉર્ફે બાબર ભયલાલ વસાવા રહે. પારસી ફળિયું સારસાનાએ પુનિયા ઉર્ફે ઉક્કડ હિરાભાઇ વસાવા, દશરથ કાલિદાસ વસાવા, કિરણ નાનુ વસાવા તેમજ અક્ષય મનોજ વસાવા તમામ રહે.પારસી ફળિયું સારસા તા.ઝઘડીયા જિ.ભરૂચના વિરુધ્ધ રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવી હતી. પોલીસે બન્ને પક્ષોની ફરિયાદ મુજબ કુલ આઠ ઇસમો સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
વિડિઓ જર્નાલિસ્ટ પ્રકાશ ચૌહાણ સાથે સત્યા ટીવી ઝઘડિયા