Satya Tv News

મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર

રેતી માફિયાઓ અને તેમના સમર્થક રાજકારણીઓ વસાવાને દબાવવા પ્રયાસ કરતા હોવાનો આક્ષેપ

મનસુખ વસાવા ઉપર માફી માંગવા દબાણ કરતું હોવાની રજૂઆત

નર્મદા નદીમાં ગેરકાયદેસર રેતી ખનનનો વેપલો ચાલતો હોવાની મુખ્યમંત્રીને રજુઆત

ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા કરજણ મામલતદાર સાથે કરાયેલા અશોભનીય વર્તનને લઈને ગુજરાતનાં મામલતદારોમાં નારાજગી જોવા મળી હતી. સાંસદ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી હતી. મનસુખ વસાવા માફી માંગે તેવી માંગ સાથે ઠેર ઠેર વિરોધ કરાયો હતો. ત્યારે હવે આ બાબતે મનસુખ વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે.

‘મનસુખ વસાવા માફી માંગે તેવી માંગ સાથે આંદોલન ચાલી રહ્યુ છે. ત્યારે કેટલાક રાજકારણીઓ, ખાણ-ખનિજના અધિકારીઓ ભૂ માફિયા અને રેત માફિયા સાથે મળી મામલતદાર અને રેવેન્યુ અધિકારીઓના આંદોલનને હવા આપી રાજ્ય સરકાર ઉપર દબાણ લાવી રહ્યાં હોવાનો પત્ર ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો છે.વડોદરા જિલ્લાના નારેશ્વર પાસેની ઘટનાને લઈને ગુજરાતના મામલતદારો તથા તેમના રેવન્યુ કર્મચારીઓ અલગ-અલગ પ્રકારે ભરૂચના સાંસદ મનસુખ વસાવા સામે આંદોલન કરી રહ્યા છે. આ આંદોલન પાછળ ગુજરાતભરના રેત માફિયાઓ, જમીન માફિયાઓ, કેટલાક ખાણ-ખનીજ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તથા આ ધંધા સાથે જોડાયેલા કેટલાક રાજકિય આગેવાનો પડદા પાછળ કામ કરી રહ્યા છે. જે અંગે MP મનસુખ વસાવાએ CMને લખેલા લેટરમાં ઘટસ્ફોટ કર્યો છે.રેતી, માટી ખનનમાં ભુમાફિયાઓ સાથે કેટલાક રાજકારણીઓ અને ખાણ-ખનિજના અધિકારીઓની સાંઠ-ગાંઠનો ભરૂચના સાંસદે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રજૂઆત કરી છે. તેમજ રજૂઆતમાં વધુમાં જણાવ્યું છે કે, સાહેબ હું વર્ષોથી નર્મદા નદીમાં થતા ગેરકાયદે ખનનને રોકવા સંઘર્ષ કરી રહ્યો છું, ત્યારે કેટલાક સજ્જનો ભૂમાફિયા-રેત માફિયાને બચાવવા મેદાને પડ્યા છે.

સાંસદે લખેલા પત્રમાં વધુમાં જણાવાયું છે કે, કેટલાક સજ્જનો આડકતરી રીતે રેત માફિયાઓ, જમીન માફિયાઓને બચાવવા મેદાને પડયા છે. ત્યારે મુખ્યમંત્રી તમે તો રાજ્યના વડા છો જેથી તમારી પાસે મે ન્યાયની આશા રાખી છે.

બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી અંકલેશ્વર

error: