હોળીકા અષ્ટક મોડી રાતે લગભગ 2-57 કલાકે શરૂ થઈ ગયું છે. જે હોળીકા દહન સાથે 17 માર્ચના રોજ પૂર્ણ થશે. હોળાષ્ટકને અશુભ કે સૂતકકાળ માનવામાં આવે છે. એટલે ધર્મગ્રંથોમાં આ દિવસો દરમિયાન દરેક પ્રકારના શુભ કામ કરવાની મનાઈ હોય છે. આ પ્રકારે ફાગણ મહિનાના સુદ પક્ષની આઠમ તિથિથી પૂર્ણિમા સુધી હોળાષ્ટક ઉજવવામાં આવે છે.
હોળીકા અષ્ટક શરૂ થવાની સાથે જ લગ્ન, ગૃહ પ્રવેશ, દેવ પ્રાણ પ્રતિષ્ઠા, મુંડન અને નવા બિઝનેસની શરૂઆત જેવા શુભ માંગલિક કાર્યો અટકી જશે. હોળાષ્ટક દરમિયાન અંતિમ સંસ્કાર છોડીને બધા જ 15 સંસ્કાર કરવાની મનાઈ હોય છે. આ દિવસોમાં નવું ઘર બનાવવાની શરૂઆત પણ કરવામાં આવતી નથી.
ફાગણ મહિનાના સુદ પક્ષની આઠમથી હોળીકા અષ્ટક શરૂ થઈ જાય છે. આ દિવસથી એક ઝાડની ડાળી કાપીને તેમાં રંગીન કપડાના ટુકડાઓ બાંધવામાં આવે છે. પછી તેને જમીનમાં દાટી દેવામાં આવે છે. પછી તેની ચારેય બાજુ લાકડા અને ગાયના ગોબરથી બનેલાં છાણાને એકઠા કરવામાં આવે છે. હોળીકા દહનના દિવસે ભદ્રા રહિત શુભ સમયમાં નૃસિંહ ભગવાન તથા ભક્ત પ્રહલાદના પૂજન પછી અગ્નિ પૂજન કરીને હોળીકા દહન કરવામાં આવશે.
આ દિવસોમાં મોડા સુધી સૂવું જોઈએ નહીં. સવારે જલ્દી જાગવું અને સ્નાન કર્યા પછી ઉગતા સૂર્યને જળ ચઢાવો. જેથી દેવી દેવતાઓનો આશીર્વાદ મળશે. આ આઠ દિવસોમાં ભગવાન વિષ્ણુની પૂજા ચોક્કસ કરવી જોઈએ. પ્રહલાદે પણ આ દિવસોમાં ભગવાન વિષ્ણુની પૂજા અને તેમના મંત્રનો જાપ કર્યો હતો. આ સિવાય મહામૃત્યુંજય મંત્ર અને દુર્ગાસપ્તશતીનો પાઠ પણ કરી શકાય છે. આવું કરવાથી રોગ, શોક અને દોષ દૂર થાય છે.