Satya Tv News

વડોદરા શહેરના ગોત્રી રોડ યશ કોમ્પલેક્ષ પાસે મોડીરાત્રે પરિણીત પ્રેમિકા, તેના પતિ અને મામીએ ભેગા મળી પ્રેમીને ઢોર માર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. મૃતક યુવાન પરિવારનો એકનો એક પુત્ર હતો. આ બનાવ અંગે ગોત્રી પોલીસે દંપતી સહિત ત્રણ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

ગોત્રી વિસ્તારમાં ચકચાર જગાવનાર આ બનાવ અંગે આઇ-301, શ્રીજી વંદન કોમ્પ્લેક્ષ, ગોત્રી રહેતા મનીષ કનુભાઈ દરજીએ ગોત્રી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ વિગત એવી છે કે. ગોકુલનગરમાં રહેતા સુખદેવભાઈ કિશનભાઇ વાયડેના 23 વર્ષિય પુત્ર વિશાલને તેના વિસ્તારમાં રહેતી ગીતા નામની યુવતી સાથે પ્રેમસંબંધ હતો. દરમિયાન ગીતાનું બિલ ગામમાં રહેતા જયેશ માળી સાથે લગ્ન થયા હતા અને લગ્ન બાદ ગીતા બિલ ગામમાં રહેતી હતી. લગ્નના એક વર્ષ પછી પણ ગીતા અને વિશાલ એકબીજાને ભૂલી શક્યા ન હતા. ગીતા અને વિશાલ વચ્ચે પ્રેમસંબંધ હોવાની જાણ ગીતાના પતિ જયેશ માળીને થતાં અવારનવાર ઝઘડા થતાં હતા.

આથી, દાંપત્યજીવનમાં વિઘ્નરૂપ બનેલા વિશાલનું કાસળ કાઢી નાખવા માટે જયેશ માળીએ તેની પત્ની ગીતાની મદદ લઈને યોજના બનાવી હતી. મોડી રાત્રે ગીતાએ ફોન કરીને પોતાના પૂર્વ પ્રેમી વિશાલને ગોત્રી રોડ યશ કોમ્પલેક્ષ ચાર રસ્તા પાસે બોલાવ્યો હતો અને ગીતા તેના પતિ જયેશ અને જયેશની મામી સુમિત્રાબેને ત્રણે ભેગા મળી વિશાલને ઢોર માર માર્યો હતો. જેમાં વિશાલનું સ્થળ પર કરૂણ મોત નિપજયું હતું.

વિશાલના માનેલા ભાઇ મનિષ માળીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, રાત્રે વિશાલનો ફોન આવ્યો હતો અને તેને કહ્યું કે, ગીતા તેનો પતિ જયેશ અને તેની મામી સુમિત્રા મારી સાથે ઝઘડો કરી રહ્યા છે. તુરંત જ મનિષ સ્થળ ઉપર પહોચ્યો હતો. જ્યાં ત્રણેય વિશાલને લાતો અને ફેટો મારી રહ્યા હતા. વિશાલ બેભાન થઇ જતાં, તેને હોસ્પિટલમાં લઇ જવા માટે 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો. જોકે, તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવે તે પહેલાં તેનું સ્થળ પર મોત નિપજ્યું હતું.

દરમિયાન આ બનાવની જાણ તેના પરિવારજનોને કરતાં તેઓ પણ આવી પહોંચ્યા હતા. બાદમાં આ બનાવની જાણ પોલીસને કરતા ગોત્રી પોલીસ સ્થળ ઉપર આવી ગઈ હતી અને લાશનો કબજો લઈ કાર્યવાહી હાથ ધરી હતી. મોડી રાત્રે યશ કોમ્પલેક્ષ ચાર રસ્તા પાસે બનેલા આ બનાવને વિસ્તારમાં ભારે ચકચાર જગાવી મુકી હતી. બીજી બાજુ ગોત્રી પોલીસે વિશાલના માનીતાભાઈ મનીષ કનુભાઈ દરજીની ફરિયાદના આધારે વિશાલની પૂર્વ પ્રેમિકા ગીતા તેનો પતિ જયેશ માળી (રહે. બિલ ગામ, વડોદરા ) અને તેની મામી સુમિત્રાબેન વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

error: