તેલંગણાના હૈદરાબાદના ભોઈગુડા વિસ્તારમાં બુધવારે વહેલી સવારે એક લોખંડ અને પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી ગઈ. ત્યારબાદ ગોડાઉનમાં અનેક લોકો ફસાઈ ગયા. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 11 લોકોના જીવતા ભૂંજાઈ જવાથી મોત નિપજ્યા છે. જેમના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. અકસ્માતની સૂચના મળતા જ ઘટનાસ્થળે ફાયરની લગભગ 8 ગાડીઓ આગ બૂઝાવવા માટે પહોંચી ગઈ અને ભારે જદ્દોજહેમત બાદ આગ પર કાબૂ મેળવી શકાયો. એવું કહેવાય છે કે મૃતક મજૂરો બિહારના હતા.
પોલીસ અધિકારી મોહમ્મદ મુસ્તફાના જણાવ્યાં મુજબ આગ ભંગારના ગોડાઉનમાં લાગી હતી. જેમાં થોડો લાકડાનો પણ સામાન છે. તમામ મૃતકો ગોડાઉનમાં સૂઈ રહ્યા હતા અને અહીં કામ કરતા હતા. તેમણે જણાવ્યું કે આગ લાગવાના કારણની જાણકારી મળી નથી. ભંગારના ગોડાઉનમાં આગ લાગવાથી લગભગ 11 મજૂરોના મોત થયા હોવાની માહિતી છે. ઘાયલોને નજીકની હોસ્પિટલ લઈ જવાયા છે.
ગાંધીનગરના એસએચઓ મોહન રાવે જણાવ્યું કે હૈદરાબાદના ભોઈગુડામાં એક કબાડની દુકાનમાં આગ લાગવાથી 11 લોકોના મોત થયા. અકસ્માત સમયે હાજર 12 લોકોમાંથી એક વ્યક્તિને બચાવી લેવાયો છે. જે હાલ સારવાર હેઠળ છે. તેમણે જણાવ્યું કે સૂચના મળતા જ આગ બૂઝાવવા માટે ડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવી શકાયો. આગ લાગવાનું કારણ શોટ સર્કિટ હોઈ શકે છે. મામલાની તપાસ થઈ રહી છે.