Satya Tv News

મોંઘવારીનો માર સામાન્ય જનતા પર ભૂંડી રીતે અસર વર્તાવી રહ્યો છે. શાકભાજી, રાંધણગેસ, કઠોળ, દૂધ, ચા, કોફી અને મેગી બાદ રોજીંદી વસ્તુઓના ભાવ પણ વધવા લાગ્યા છે. ગ્રાહકોને હવે દૈનિક વપરાશમાં લેવાતી વસ્તુઓ માટે ખિસ્સા વધારે ઢીલા કરવા પડી શકે છે. ઘઉં, પામોલિન ઓયલ અને પેકેજીંગ ફુડ સહિતના સામાનના ભાવમાં ઉછાળાથી એફએમસીજી કંપનીઓએ પોતાના ઉત્પાદનની કિંમતોમાં વધારો કરી રહી છે. પેટ્રોલ ડીઝલના ભાવ વધતા જ તમામા ચીજ વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. ત્યારે હવે દવાઓના ભાવમાં પણ 10 ટકાનો વધારો થવા જઇ રહ્યો છે.

પેટ્રોલ-ડીઝલ અને ગેસ સિલિન્ડર બાદ હવે દવાઓ પણ મોંઘી થવા જઈ રહી છે. એપ્રિલથી 800 થી વધુ આવશ્યક દવાઓની કિંમતમાં 10 ટકા સુધીનો સીધો વધારો થવા જઈ રહ્યો છે. જેમાં તાવ, હૃદય રોગ, હાઈ બ્લડ પ્રેશર, ચામડીના રોગો અને એનિમિયાની સારવારમાં વપરાતી દવાઓનો પણ સમાવેશ થાય છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવ દિવસેને દિવસે વધી રહ્યા છે. મોટાભાગના શહેરોમાં પેટ્રોલ 100ને પાર કરી ચૂક્યું છે ત્યારે સતત ભાવ વધારો સામાન્ય માણસ માટે મુશ્કેલીનો વિષય બની ગયો છે. ડીઝલના ભાવમાં સતત વધારો થવાના કારણે આગામી દિવસોમાં ખાદ્યપદાર્થોના ભાવમાં પણ વધારો થવાની આશંકા છે. દરમિયાન મોંઘવારીની અસર દવાઓ પર પણ પડી છે. કેન્દ્ર સરકારે સુનિશ્ચિત દવાઓના ભાવમાં વધારો કરવાની લીલી ઝંડી આપી દીધી છે. જેને કારણે એપ્રિલથી 800 થી વધુ આવશ્યક દવાઓ 10 ટકાથી વધુ મોંઘી થઈ જશે.

આવતા મહિનાથી તમારે પેરાસીટામોલ, ફેનીટોઈન સોડિયમ, મેટ્રોનીડાઝોલ જેવી પેઇનકિલર્સ અને એન્ટિબાયોટિક્સ જેવી આવશ્યક દવાઓ માટે પણ વધુ પૈસા ચૂકવવા પડશે. નેશનલ ફાર્મા પ્રાઇસિંગ ઓથોરિટીના જણાવ્યાનુસાર, હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સમાં વધારાને કારણે આવું થવા જઈ રહ્યું છે. 1 એપ્રિલ 2022થી દવાઓના ભાવમાં વધારો થશે.

ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારી બાદ ફાર્મા ઇન્ડસ્ટ્રી સતત દવાઓના ભાવ વધારવાની માંગ કરી રહી હતી. આ પછી સૂચિત દવાઓની કિંમતોમાં 10.7 ટકા વધારાને મંજૂરી આપવામાં આવી છે. શેડ્યૂલ દવાઓમાં આવશ્યક દવાઓનો સમાવેશ થાય છે અને તેની કિંમતો નિયંત્રિત છે. પરવાનગી વિના તેમના ભાવમાં વધારો કરી શકાતો નથી.

error: