આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી નિમિષાબેન સુથારના હસ્તે અને ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વૈધાનિક અને સંસદીય બાબતો વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર, ટ્રાઇફેડના ચેરમેન રામસિંહભાઈ રાઠવાની પ્રેરક ઉપસ્થિતિમાં ન્યુ એડમિન બિલ્ડિંગ ગ્રાઉન્ડ,એકતા નગર ખાતે તા.૨૬ મી માર્ચ થી તા. ૫ મી એપ્રિલ, ૨૦૨૨ સુધી ચાલનાર ૧૧ દિવસીય ભવ્ય પ્રદર્શન “આદિ બજારનું” ઉદ્ધાટન કરાયું હતું.







રાજ્યકક્ષાના મંત્રી નિમિષાબેન સુથારે પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ એકતા નગર ખાતે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવીને એકતાનો સંદેશો સમગ્ર વિશ્વને આપ્યો છે, ત્યારે એકતા નગર ખાતે ૧૧ દિવસ ચાલનારા આદિ બજાર થકી અલગ અલગ રાજ્યના કુશળ કારીગરો દ્વારા બનાવવામાં આવેલા વિવિધ ઓર્ગેનિક ઉત્પાદનો અને હસ્તકળાથી બનાવેલ વસ્તુઓનું વેચાણ થવાથી એક નવા માર્કટીગની સાથે આદિવાસી સમાજ સ્વનિર્ભર બનવાની સાથે આત્મનિર્ભર બનશે. આ આદિબજારમા ૧૦૦ થી વધુ સ્ટોલ ઉભા કરવામાં આવ્યાં છે જેમાં દેશભરના ૧૦ થી વધુ રાજ્યોનું પ્રતિનિધિ થશે જેથી આદિવાસી સમાજની સંસ્કૃતિ ઉજાગર થવાની સાથે ભાઈચારાની ભાવના પણ ઉભી થશે.
વધુમાં સુથારે ઉમેર્યું હતું કે, ભારતના આદિવાસીઓની આજીવિકા વધારવાની સાથે આદિવાસી લોકોની જીવનશૈલી અને પરંપરાને જાળવી રાખીને તેમની આવક અને આજીવિકા સુધારવામાં ટ્રાઇફેડ એક અગત્યનું માધ્યમ બન્યું હોવાનું જણાવ્યું હતું.
રાજ્યકક્ષાના મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરે જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીના એકતાનગર ખાતે ઓર્ગેનિક આદિવાસી ઉત્પાદનો અને હસ્તકળાથી બનાવેલ વસ્તુઓ દર્શાવતું "આદિ બજાર" ૧૧ દિવસીય સુધી ચાલશે જેના દ્વારા આદિવાસી સમાજને પોતાની કુશળ કારીગરી વિવિધ લોકો સુધી પહોંચાડવા માટેનું પણ આ યોગ્ય માધ્યમ છે. આદિ બજાર થકી વેચાણ કરવાથી ઉત્પાદન પણ સારું કરવાથી આવકમાં પણ વધારો થશે.
આ જિલ્લો મુખ્યત્વે આદિવાસી વિસ્તાર છે. આદિ બજાર દ્વારા આદિવાસી જીવન, સંસ્કૃતિ અને રીતરિવાજોની ઉજવણી- આ આદિવાસી પ્રભુત્વ ધરાવતા વિસ્તારમાં થશે અને સર્વાંગી વિકાસ તરફ દોરી જશે. ટ્રાઇફેડ ભારતના આદિવાસીઓની આજીવિકા વધારવા માટે સતત પ્રયત્નો કરી રહ્યું છે. આદી બજાર દેશભરની આદિવાસી સંસ્કૃતિને મોટા પ્રેક્ષકો સુધી પહોંચાડવામાં મદદ કરશે. આ એક ધમધમતું અને આંતરરાષ્ટ્રીય પ્રવાસી આકર્ષણ હોવાથી આ ઇવેન્ટને સફળ બનાવવામાં મદદ મળી રહેશે,તેવો વિશ્વાસ મંત્રી ડીંડોરે વ્યક્ત કર્યો હતો.
ટ્રાઇફેડના ચેરમેન રામસિંહભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે, ૧૧ દિવસ ચાલનારા આદિ બજારમાં આદિવાસી હસ્તકલા, કલા, પેઇન્ટિંગ્સ, ફેબ્રિક અને જ્વેલરીનું પ્રદર્શન-કમ-વેચાણ કરવામાં આવશે. આદિવાસીઓની આજીવિકા સુધારવા માટે ટ્રાઇફેડ એક અગત્યનો ભાગ છે. ટ્રાઇફેડ એ આદિવાસી સશક્તિકરણ તરફ કામ કરતી નોડલ એજન્સી તરીકે આદિવાસી લોકોની જીવનશૈલી અને પરંપરાને જાળવી રાખીને, તેમની આવક અને આજીવિકા સુધારવામાં મદદ કરતી અનેક પહેલો કરી રહી છે. આદી બજાર એવી એક પહેલ છે જે આ સમુદાયોના આર્થિક કલ્યાણને સક્ષમ કરવામાં અને તેમને મુખ્ય પ્રવાહના વિકાસની નજીક લાવવામાં મદદ કરી રહી હોવાની સાથે સેઇલ એક્ઝિબિશન ગ્રાઉન્ડ, રાઉરકેલા અને ઓડિશા ખાતે અન્ય આદી બજાર તા. ૩૦ મી માર્ચ અને ૮ મી એપ્રિલ, ૨૦૨૨ ની વચ્ચે યોજાશે તેમ રાઠવાએ ઉમેર્યું હતું.
સંખેડાના ધારાસભ્ય અભેસિંગભાઈ તડવીએ પ્રસંગોચિત પ્રવચન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય આદિજાતિ મંત્રી અર્જુનભાઈ મુંડાએ વિડિયો સંદેશ દ્વારા કાર્યક્રમ ને શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ રાજ્યકક્ષાના મંત્રી નિમિષાબેન સુથાર સહિત અન્ય મહાનુભાવોએ આદિવાસી હસ્તકલા-કૃષિ, આહાર વનૌષધિક વેચાણ આદિ બજારના ઉભા કરાયેલા સ્ટોલ્સની મુલાકાત લઈ ઉત્પાદન અને વેચાણ અંગેની માહિતી મેળવી હતી.
પ્રારંભે ટ્રાઇફેડના માર્કટીગ જનરલ મેનેજર જે. એસ. શેખે સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી ૧૧ દિવસ ચાલનારા 'આદિ બજારની" વિસ્તૃત જાણકારી પુરી પાડી હતી.
આ વેળાએ સંખેડાના ધારાસભ્ય અભેસિંગભાઈ તડવી, પૂર્વ મંત્રી શબ્દશરણભાઈ તડવી, પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ વસાવા, નર્મદા સુગર અને ભરૂચ દુધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ, જિલ્લાના મહીલા અગ્રણી ભારતીબેન તડવી જિલ્લા-તાલુકાના પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં કેવડીયા અને આજુબાજુના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
વિડીયો જર્નાલિસ્ટ જ્યોતિ જગતાપ, સત્યા ટીવી રાજપીપલા