ગુજરાતમાં આજે 29 માર્ચના મહત્વના સમાચાર અને ઘટનાઓ પર એક નજર કરીએ
ગુજરાતમાં આકરી ગરમીના દિવસો આવી ગયા છે. ગુજરાતમાં હવે અંગ દઝાડતી ગરમી પડશે અને લોકોનુ બહાર નીકળવુ પણ મુશ્કેલ બનશે. ગુજરાતમાં હજુ 3 દિવસ અંગ દઝાડતી ગરમી પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે. આગામી 3 દિવસ હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યુ છે. આ દિવસોમાં 41થી 43 ડિગ્રી તાપમાન અને લૂ પડવાની આગાહી કરાઈ છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગરમીનો પારો વધશે. ગરમ અને સૂકા પવનો ફૂંકાતા તાપમાન વધવાની આગાહી છે. ત્યારે ડોક્ટરોએ સલાહ આપી કે, ગરમીથી બચવા માટે કામ વિના ઘરની બહાર નીકળવાનું ટાળો
અમદાવાદમાં AMTSમાં ડિજિટલ ટિકિટની શરૂઆત થઈ છે. ડિજિટલ ઈન્ડિયાને પ્રોત્સાહન આપવામાં માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ડિજિટલ ટિકિટની શરૂઆત કરી છે. ત્યારે મુસાફરો પેટીએમ મોબાઈલ એપ્લિકેશનથી ટિકિટ ખરીદી શકાશે. એપથી AMTSનો ક્યૂઆર કોડ જનરેટ કરાશે. મુસાફરો મોબાઈલ ફોનમાં એપ્લિકેશનથી સિટી બસના માધ્યમથી ટિકિટ લઈ શકશે. સાથે જ આજે અમદાવાદના વાસણાના ટર્મિનલની પણ શરૂઆત કરાઈ છે. 60 લાખના ખર્ચે વાસણાના ટર્મિનલનું નવીનિકરણ કરાયું. આ કાર્યક્રમમાં મેયર કિરીટ પરમાર, AMC કમિશનર લોચન શહેર, AMTS કમિટીના ચેરમેન વલ્લભ પટેલ સહિતના હોદ્દેદારો અને નેતાઓ હાજર રહ્યા હતા.
રાજકોટમાં ગુજરાત કોંગ્રેસના સંગઠનના માળખા મામલે વિરોધ શરૂ થયો છે. માળખામાં પાટીદારોને સ્થાન ન મળતા રાજકોટમાં વિરોધ જોવા મળ્યો છે. સંગઠન માળખા મામલે રાજકોટ પાટીદાર સમાજમાં રોષ સળવળ્યો છે. કડવા અને લેઉવા પાટીદાર સમાજના અગ્રણીઓની આ મામલે બેઠક મળી હતી. શહેર પ્રમુખ અને હોદ્દેદારોમાં પાટીદારોને સ્થાન ન મળતા પાટીદાર અગ્રણીઓમાં રોષ જોવા મળ્યો. આજની બેઠકમાં પૂર્વ કોર્પોરેટર મનસુખ કાલરિયા, સંજય અજૂડિયા, પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશ વોરા, કોંગ્રેસ અગ્રણી મિતુલ દોંગા, માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર અતુલ કામાણી સહિતના પાટીદાર આગેવાન ઉપસ્થિત રહ્યા હતા.
આજથી રાજ્યમાં ફરી મધ્યાહન ભોજન યોજનાની શરૂઆત થઈ છે..આજે આજથી ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, નવસારી, ભાવનગર,ભુજ અને જામનગર જિલ્લાઓમાં શરૂઆત થઈ છે. જ્યારે બાકીના જિલ્લામાં 31 માર્ચથી યોજનાની શરૂઆત થશે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના હસ્તે ગાંધીનગરના બોરીજ ગામની શાળામાં યોજનાનો આરંભ થયો છે. જેમાં ખુદ નાના બાળકોને શિક્ષણમંત્રીએ ભોજન પિરસ્યું હતું. યોજના શરૂ થવાની બાળકોને પોષણયુક્ત ભોજનનો લાભ મળી રહેશે. મહત્વનું છે કે, કોરોનાને કારણે માર્ચ 2020 થી શાળાઓમાં મધ્યાહ્ન ભોજન યોજના બંધ કરવામાં આવી હતી.