પેટ્રોલમાં ૮0 પૈસા, ડીઝલમાં ૮2 પૈસા વધ્યા, ૯ દિવસમાં ઈંધણ રૂ. ૫.૩૫ મોંઘું થયું
ભારતમાં પેટ્રોલ અને ડીઝલમાં ૨૨મી માર્ચથી શરૂ થયેલો ભાવવધારો ૯મા દિવસે પણ ચાલુ રહ્યો હતો. સરકારી ઓઈલ કંપનીઓએ પેટ્રોલમાં ૮૦ પૈસા અને ડીઝલમાં ૮૨ પૈસાનો ભાવવધારો કર્યો છે, જેનો અમલ બુધવારે સવારે ૬.૦૦ વાગ્યાથી થયો છે. આ સાથે ગયા વર્ષે નવેમ્બર પછી અમદાવાદમાં સાદું પેટ્રોલ ફરી રૂ. ૧૦૦ને પાર થઈ ગયું છે. આ ભાવવધારા સાથે છેલ્લા ૯ દિવસમાં પેટ્રોલ ૫.૨૦ રૂપિયા, ડીઝલ ૫.૬૦ રૂપિયા મોંઘા થયા છે. જોકે, નાણામંત્રી સીતારામને ઈંધણમાં ભાવવધારાનો બચાવ કર્યો હતો.
સરકારી ઓઈલ કંપનીઓના ભાવવધારાના પગલે અમદાવાદમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર ૧૦૦.૬૬ રૂપિયા થયો છે જ્યારે ડીઝલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૯૪.૮૫ થયો છે. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૧૦૧.૦૧ અને ડીઝલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૯૨.૨૭ થયો છે. સરકારી ઓઈલ કંપનીઓએ ૨૨મી માર્ચથી ભાવવધારો શરૂ કર્યો છે, જેમાં ૨૪મી માર્ચ સિવાય દરરોજ ભાવવધારો કરાયો છે. આ સમયમાં પેટ્રોલ રૂ. ૫.૨૦ પૈસા અને ડીઝલ રૂ. ૫.૬૦ પૈસા વધ્યા છે. જૂન, ૨૦૧૭ પછી પેટ્રોલ અને ડીઝલમાં આ સૌથી મોટા વધારા થઈ રહ્યા છે. આ ભાવવધારાના કારણે દેશમાં અનેક સ્થળો પર પેટ્રોલ અને ડીઝલ ફરી રૂ. ૧૦૦ને પાર થઈ ગયા છે. પેટ્રોલ અને ડીઝલમાં ટેક્સનો હિસ્સો ૪૫ ટકા છે.
દરમિયાન કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને મંગળવારે લોકસભામાં પેટ્રોલ અને ડીઝલમાં ભાવવધારાનો બચાવ કરતાં જણાવ્યું હતું કે, પેટ્રોલ અને ડીઝલ પર રોડ અને ઈન્ફ્રા સેસથી છેલ્લા ૧૦ વર્ષમાં કેન્દ્રે ૧૧.૩૨ લાખ કરોડ રૂપિયાની આવક મેળવી છે. આ આંકડો વર્ષ ૨૦૧૦-૧૧થી વર્ષ ૨૦૨૨-૨૩ વચ્ચેના સમયનો છે. એટલે કે કેન્દ્રને પ્રત્યેક વર્ષે સરેરાશ એક લાખ કરોડ રૂપિયાની આવક સેસથી થઈ છે.
નાણા પ્રધાન નિર્મલા સિતારમને ૧૩૭ દિવસ સુધી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો ન કરવાના નિર્ણયનો બચાવ કરતા વધુમાં જણાવ્યું હતું કે યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે વધી રહેલા ક્રૂડના ભાવને કારણે છેલ્લા આઠ દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વિક્રમજનક વધારો કરવામાં આવ્યો છે.
યુક્રેનમાં યુદ્ધ ૨૪ ફેબુ્રઆરીથી શરૂ થયું છે અને ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ છેલ્લા આઠ દિવસથી જ કેમ વધારવામાં આવે છે તેના વિપક્ષના પ્રશ્નના જવાબમાં નાણા પ્રધાને જણાવ્યું છે કે આ વાત તદ્દન ખોટી છે. તેમણે જણાવ્યું હતું કે યુદ્ધ ભલે ૨૪ ફેબુ્રઆરીથી શરૂ થયું હોય પણ પુરવઠા પર તેની અસર છેલ્લા ૧૫ દિવસથી જોવા મળી રહી છે. નાણા પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે વધી રહેલા ક્રૂડના ભાવની અસર ભારત પર ઓછી થાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા તમામ પગલા ભરવામાં આવી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે રાજ્યસભામાં વિપક્ષે પ્રશ્ર કર્યો હતો કે યુક્રેનમાં ઘણા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે તો કેન્દ્ર સરકારે છેલ્લા એક સપ્તાહથી જ કેમ ભાવ વધારી રહી છે?