ઓઢવના ચકચારી હત્યાકાંડ કેસમાં અમદાવાદ પોલિસે 48 કલાકના નજીવ સમયગાળામાં જ આરોપીની ધરપકડ કરી છે. અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં એક મકાનમાંથી 29મી માર્ચના રોજ મોડી રાત્રે 3 મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગયો હતો.
આ પારિવારિક હત્યાકાંડમાં ઘરનો મોભી વિનોદ મરાઠીએ જ પત્ની, બાળકો અને વડ સાસુની હત્યા કરીને રાજ્ય બહાર ફરાર થઈ ગયો હતો. ફરાર વિનોદને પોલીસે 48 કલાકની તપાસ બાદ મધ્યપ્રદેશના ઇન્દોરથી ઝડપી લીધો છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાંચે આરોપીની પૂછપરછ કરતા અનેક ખુલાસાઓ સામે આવ્યા છે. આ અંગે મીડિયાને માહિતી આપતા ક્રાઈમ બ્રાંચના ડી પી ચુડાસમાએ કહ્યું કે વિનોદ ઇન્દોરથી અમદાવાદ આવી રહ્યો હતો ત્યારે ઝડપી પાડવામાં આવ્યો છે. બે વર્ષથી પત્નીને આડાસંબંધ હોવાની વિનોદને આશંકા હતી. પોતાની માતાને અન્ય યુવક સાથે દીકરાએ જોઇ લીધી હતી. તે અંગેની જાણ તેણે પોતાના પિતાને કરી હતી. ત્યારબાદ વિનોદે મનમાં ધારી લીધુ હતુ કે હું પત્નીને નહિ છોડું.
વિનોદે હત્યાના દિવસે પત્નીને આંખ પર પાટા બાંધીને કહ્યુ હતુ કે, તને સરપ્રાઇઝ આપવાની છે. સરપ્રાઈઝના બહાને બીજા રૂમમાં લઈ જઈ વિનોદે પત્નીને છરીના ઘા માર્યા હતા. આ ઘટના દીકરી અને દીકરાએ જોઇ લેતા થયું કે હવે હું જેલ ભેગો થઈશ. વિનોદને વિચાર આવ્યો કે હું જેલમાં જઈશ તો બાળકોનું શું થશે ? એટલે જ નરાધમ બાપે 15 વર્ષની પુત્રી અને 17 વર્ષના પુત્રને પણ મારી નાંખ્યા હતા.
સાસુને ધમકાવીને મોકલ્યા બાદ તે અમદાવાદથી ફરાર થઈ ગયો હતો પરંતુ તેને થયું કે પત્નીના જેની સાથે અનૈતિક સંબંધ હતા તેને પણ હું મારી નાંખીશ. એવું વિચારીને તે ઇન્દોરથી સિટી બસમાં બેસીને અમદાવાદ પરત આવી ગયો હતો. તે દરમિયાન જ ક્રાઇમ બ્રાંચની ટીમે તેને ઝડપી પાડ્યો હતો.