પંજાબ બાદ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઇને તૈયારીઓ શરૂ કરી દીધી છે
પંજાબ બાદ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઇને તૈયારીઓ શરૂ કરી દીધી છે. આજથી દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ બે દિવસના ગુજરાત પ્રવાસ પર રહેશે. આ સમયે તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ હશે. આજે સવારે કેજરીવાલ ગાંધી આશ્રમ જશે. ત્યારબાદ સાંજે ચાર વાગ્યે નિકોલના ખોડિયાર મંદિરથી સરદાર મોલ સુધી દોઢ કિલોમીટરનો રોડ શૉ યોજશે. અરવિંદ કેજરીવાલના રોડ શોનુ નામ તિરંગા યાત્રા આપવામાં આવ્યું છે.
જ્યારે બાદમાં ત્રીજી એપ્રિલે સવારે સાડા 10 વાગ્યે અરવિંદ કેજરીવાલ સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા જશે. બાદમાં રાજકીય અને સામાજિક આગેવાનો સાથે બેઠક યોજશે. જોકે, મુલાકાત પહેલા આમ આદમી પાર્ટીએ આશંકા વ્યક્ત કરી કે, અસામાજિક તત્વો અરવિંદ કેજરીવાલ પર હુમલો કરી શકે છે. જેને લઇને અમદાવાદ પોલીસ કમિશનરને પત્ર લખી સુરક્ષા વધારવા માંગ કરાઇ છે.