જામનગર ખાતે હેડ ઓફિસ ધરાવતી અને જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાં કુલ 40 શાખાઓ ધરાવતી જાણીતી જામનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેંકની જામનગર શહેરની શાખા અને જામજોધપુર તાલુકાની ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેંક લી.ની શાખામાં કરોડો રૂપિયાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. આના અનુસંધાને 8 જેટલા અઘિકારીઓ- કર્મચારીઓ સામે સસ્પેન્શન સહિતના કડક પગલા તથા સીઆઇડી ક્રાઇમની તપાસ સહિતની તજવીજનો ધમધમાટ શરૂ થયો છે.
આ સમગ્ર ચકચારી પ્રકરણ અંગે સત્તાવાર સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ જામનગર ખાતે મુખ્ય કચેરી ધરાવતી અને જામજોધપુર તાલુકાની ધી જામનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેંક લી.ની શાખામાં અને જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ 40 જેટલી બ્રાન્ચ અને 310 જેટલા અઘિકારીઓ- કર્મચારીઓનો સ્ટાફ ધરાવતી જામનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેંક લી.ની થોડા સમય પૂર્વે નવા ડાયરેક્ટરોની વરણી કરવામાં આવી હતી. જેમાં સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા પીઢ અને અનુભવી આગેવાન પી.એસ. જાડેજાને ચેરમેન તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી. ચેરમેન તરીકેનો ચાર્જ સંભાળતાની સાથે પી.એસ. જાડેજાએ બેદરકાર અને ફરજ પ્રત્યે અનિયમિત રહેલા કર્મચારીઓ સામે કડક હાથે કાર્યવાહી કરી હતી.
ત્યારબાદ જામનગર ડિસ્ટ્રીક્ટ બેંકની જામજોધપુર તથા જામનગર તાલુકાની બે શાખાઓમાં કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું ધ્યાને આવતા આ અંગેની તપાસમાં બંને બ્રાંચોમાંથી કરોડો રૂપિયાનો ગોટો કરવામાં આવ્યો હોવાનું ખુલવા પામ્યું છે.
આના અનુસંધાને કડક કાર્યવાહી હાથ ધરી, આ બેન્કના એક સિનિયર ઓફિસર, ચાર બ્રાન્ચ મેનેજર, બે ક્લાર્ક તથા એક પટાવાળા મળી, કુલ આઠ કર્મચારીઓ આ કૌભાંડમાં સંડોવાયેલા હોવાનું ખુલવા પામતા તેઓને તાત્કાલિક ધોરણે આજકાલમાં જ સસ્પેન્ડ કરવા તથા આ તમામ સામે ખાતાકીય તપાસ શરૂ કરવાની તજવીજ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. એટલું જ નહીં, આ બેંકમાં આર્થિક કૌભાંડોને અંજામ આપનારા કર્મચારીઓ સામે પણ નજીકના ભવિષ્યમાં સી.આઇ.ડી. ક્રાઇમ વિભાગમાં ફરિયાદ અંગેની કાર્યવાહી કરવામાં આવનાર છે અને નજીકના ભવિષ્યમાં આવા કૌભાંડોની તપાસ સી.આઇ.ડી. ક્રાઇમ વિભાગના ઉચ્ચ અધિકારીઓ કરી અને તપાસ બાદ તમામ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ જાણવા મળ્યું છે.
હાલ કેન્દ્ર અને રાજ્ય સરકારના પરિપત્ર તથા રિઝર્વ બેંક અને નાબાર્ડની ગાઈડલાઈન મુજબ કે.સી.સી. સિવાયના ધિરાણો જે મુદત વિત્યા પછી પણ બાકી છે, તે તમામ ધિરાણની વસુલાત કરવા માટે સહકારી બેંકોને વધારાની સત્તા આપવામાં આવી છે. જેના અનુસંધાને આગામી દિવસોમાં બેંકના મોટા બાકીદારોની મિલકત જપ્તી કરવા અંગેની કાર્યવાહી પણ અંતિમ ચરણમાં થઈ ચૂકી છે અને આગામી સમયમાં બેંકના પડતર કામો તાત્કાલિક ધોરણે સંપન્ન કરાવી અને નાના તથા સીમાંત ખેડૂતો અને તમામ ખેડૂતોને નિયમ અનુસાર સમયસર ધિરાણ મળી રહે તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓનો લાભ મળી રહે તે માટે કાર્યવાહી કરવામાં આવશે.
આ ઉપરાંત ધિરાણના બાકીદારોએ તેઓની બાકી રકમ તાત્કાલિક ભરી અને ત્યારબાદ જ નવું ધિરાણ મેળવવા માટેની કાર્યવાહી કરે અન્યથા ના છૂટકે બેંક દ્વારા લેણું વસૂલવા માટે જમીનોની મિલકત જપ્તી કરવાની ફરજ પડશે તેમ જણાવાયું છે. જામનગર ડિસ્ટ્રીક્ટ કોપરેટીવ બેંકમાં જે કોઈ સભાસદોને બેંક તરફથી કોઈપણ જાતની તકલીફ હોય તો તેઓએ બેંકના ચેરમેન પી.એસ. જાડેજાનો સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયું છે.