Satya Tv News

આજે નવરાત્રીનો ચોથો દિવસ છે. આ દિવસે મા દુર્ગાના ચતુર્થ સ્વરૂપ દેવી કુષ્માંડાની પૂજાઅર્ચના કરવામાં આવે છે. દેવીભાગવત પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે, સૃષ્ટિની ઉત્પત્તિ પૂર્વે જ્યારે ચારેકોર અંધકાર જ અંધકાર હતો અને સૃષ્ટિ સંપૂર્ણ શૂન્ય હતી, ત્યારે આદ્યશક્તિ માતા દુર્ગાએ ઉદર સ્વરૂપમાં બ્રહ્માંડની રચના કરી હતી.

આ સ્વરૂપ સૃષ્ટિની ઉત્પત્તિ કરવાને કારણે આદ્યશક્તિ નામથી પણ ઓળખાય છે. તેમના સ્વરૂપનું વર્ણન કરતી વખતે પુરાણમાં કહેવાયું છે કે, તેમને આઠ ભુજા છે અને તે સિંહ પર સવાર છે. માતા કુષ્માંડાના સાત હાથમાં ચક્ર, ગદા, ધનુષ, કમંડલુ , અમૃતથી ભરેલું કળશ, બાણ અને કમળનું ફૂલ છે તથા આઠમા હાથમાં માતાજીની જાપમાળા છે, જે તમામ પ્રકારની સિદ્ધિઓથી યુક્ત છે.
સૂર્યના પ્રભામંડળની અંદર તેમનો નિવાસ માનવામાં આવ્યો છે. તેમનું મુખમંડળ પણ સૂર્યની જેમ દૈદીપ્યમાન રહે છે. આથી માનવામાં આવ્યું છે કે, નવરાત્રમાં તેમની પૂજાઅર્ચના કરવાથી સાધકને તેજની પ્રાપ્તિ થાય છે. એવી પણ માન્યતા છે કે, તેમના તેજને કારણે સાધકની તમામ વ્યાધિ એટલે કે બીમારીઓ પણ નષ્ટ થઈ જાય છે અને મનુષ્યને બળ તથા આરોગ્યની પ્રાપ્તિ થાય છે.

માતાજીના આ કુષ્માંડા સ્વરૂપની પૂજા અર્ચના નિમ્ન મંત્રથી કરવી જોઈએ. સુરાસંપૂર્ણકલશં, રુધિરાપ્લુતમેવ ચ ।દધાના હસ્તપદ્માભ્યાં કુષ્માંડા શુભદાસ્તુ મે ।।અર્થાત્ અમૃતથી ભરેલા કળશને ધારણ કરનારી અને કમળપુષ્પથી યુક્ત તેજોમય મા કુષ્માંડા અમને તમામ કાર્યોમાં શુભદાયી સિદ્ધ થાવ.

error: