ગુજરાતમાં રસ્તાઓ પર રખડતા ઢોરે અત્યાર સુધી ઘણા લોકોના જીવ પણ લઈ લીધા છે. ત્યારે રાજ્ય સરકાર વિધાનસભામાં રખડતા પશુઓ અંગે એક બિલ લાવી હતી. પરંતુ આ બિલ આવવાની સાથે રાજ્યભરના માલધારી સમાજે વિરોધ પ્રદર્શનો કર્યા હતા. માલધારી સમાજ દ્વારા આ બિલને પરત લેવાની માંગ કરવામાં આવી રહી હતી. માલધારી સમાજની વિવિધ રજૂઆતોને જોતા રાજ્ય સરકારે ઢોર નિયંત્રણ કાયદાને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના મંત્રી અને પ્રવક્તા જિતુ વાઘાણીએ પત્રકાર પરિષદ યોજીને આ માહિતી આપી છે. સરકારે ભલે બિલ લાવવાનું પ્લાનિંગ સ્થગિત કર્યું, પણ હવે રખડતા ઢોરોનું શું અને તેમના આંતકનું શું? શું ગુજરાતના નાગરિકોને ક્યારેય રખડતા ઢોરોના ત્રાસમાંથી મુક્તિ નહિ મળે? એક તરફ સરકારે બિલ લાવવાનુ પ્લાનિંગ રદ કર્યું, ને બીજી બાજુ અમદાવાદમાં રખડતી ગાયે બાઈક પર જતા પિતા-પુત્રને અડફેટે લીધા હતા.