ગુજરાત સહિત અનેક રાજ્યોમાં રામનવમીના પાવન દિવસ પર ભારે જૂથ અથડામણ થઈ હતી. જેમાં ખંભાતમાં એક વ્યક્તિનું કરૂણ મોત પણ થયું હતું ત્યારે આ કેસમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે..પોલીસ તપાસમાં અથડામણ મામલે ચોંકાવનારા ખુલાસા થયા હતાં. પોલીસે જણાવ્યું હતું કે, ખંભાતમાં ભવિષ્યમાં રથયાત્રા ન નીકળે તેવો આરોપીઓનો આશય હતો. ત્યારે આ મામલે વધુ એક ખુલાસો થતા સવાલો ઉભા થયા છે.
આણંદના ખંભાતમાં રામનવમીના દિવસે થયેલી શોભાયાત્રામાં પથ્થર મારા મામલે સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે. આણંદના ખંભાતમાં હિંસા મામલે ગુપ્તચર વિભાગે અગાઉથી જ એલર્ટ આપ્યુ હતું. સરકારને અનિચ્છનીય બનાવ અંગે એલર્ટ અપાયું હતું. સ્ટેટ આઇબી દ્વારા શોભાયાત્રામાં પથ્થરમારાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. તેમ છતાં આ પ્રકારે બનાવ બનતા પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે.
મહત્વનું છે કે શોભાયાત્રા દરમિયાન પથ્થર મારો થતા ખૂની ખેલ ખેલાયો હતો. કનૈયાલાલ રાણા નામની વ્યક્તિનું મોત નીપજ્યુ હતું , આ મામલે રાયોટિંગનો ગુનોં નોંધીને પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે આજે કનૈયાલાલ રાણાને સંતો દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાત અધ્યક્ષ નૌતમ સ્વામી પણ હાજર રહ્યા હતા.તેઓએ મૃતકના પરિવારને સાંત્વના આપી હતી.
ખંભાતમાં થયેલ આગચંપી અને પથ્થરમારાના બનાવો એક પૂર્વનિયોજીત કાવતરું હતું જેમાં મૌલવી દ્વારા તમામ ફંડિંગ અને તોફાની તત્વોને ભેગા કરવામાં આવ્યા હતા. શોભાયાત્રાની પહેલાથી જ ત્રણ મૌલવી અને 2 શખ્સોએ કાવતરું ઘડી નાંખ્યું હતું જેમાં મુસ્તકીમ મૌલવી, મતીન, મોહસીન મુખ્ય સૂત્રધાર છે જ્યારે રઝાક અયુબ, હુસૈન હાશેમશા દિવાન પણ ષડયંત્રનો ભાગ હતા. પોલીસે અત્યાર સુધી જૂથ અથડામણ મામલે 9 થી વધુ શખ્સોની અટકાયત કરી છે.