સુરતના વેસુ વિસ્તારમાં કાપડ વેપારીની પત્નીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. ખૂબ જ પોશ વિસ્તારમાં બનેલી આ ઘટનાને કારણે સમગ્ર શહેરમાં ચર્ચા શરૂ થઈ છે. જ્યોતિને તેમના પતિ અને સાસરિયા પક્ષ દ્વારા વારંવાર દહેજ રૂપે અનેક માંગણીઓ કરવામાં આવતી હતી. તેના ત્રાસથી બે સંતાનોની માતા જ્યોતિએ આપઘાત કરી લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે. સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ રૂમની બહાર બે પરિવારો આમને-સામને થયાં હતાં.
જ્યોતી દિલ્હીની રહેવાસી છે. તેના પતિ સાહિલ સુરતના વેસુ વિસ્તારમાં રહે છે. લગ્નને પાંચ વર્ષ જેટલો સમય થયો છે.મૃતક જ્યોતિ બે સંતાનાની માતા છે. સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ રૂમની બહાર પરિવારો વચ્ચે ચકમક શરૂ થઈ ગઈ હતી. શંકાસ્પદ આપઘાત પહેલા જ્યોતિએ પતિ સાહિલ સાથે વાત કરી હતી. સાંજે 5:30 વાગે આવ્યા બાદ જ્યોતિ ફાંસો ખાધેલી હાલતમાં મળી ઘરમાં મળી આવી હતી. સાહિલના બીજા લગ્ન હતા. પહેલી પત્નીને 35 લાખ આપીને છૂટાછેડા લીધા હતાં.
મૃતકની માસી સિહરોદેવી બહલે જણાવ્યું કે, હું દિલ્હીથી સુરત આવી છું. ગઈકાલે જ્યોતિ સાથે મારી ફોન ઉપર વાત ચાલતી હતી. તે સમયે જ તેના પતિ સાહિલનો ફોન જ્યોતિ પર આવતો હતો. જ્યોતિએ કહ્યું કે, મારા પતિનો ફોન આવે છે, એની સાથે વાત કર્યા પછી તમને કોલ કર્યો છે. એના થોડા સમય બાદ પડોશીનો ફોન આવ્યો કે, જ્યોતીએ કંઈક કરી લીધું છે. સાહિલ અને તેના પરિવાર દ્વારા વારંવાર દહેજની માંગણી કરવામાં આવતી હતી. અમે એમની ઘણી જ માંગણીઓ પૂર્ણ કરી હતી. મને એવી પૂરી ખાતરી છે કે, જ્યોતિને આપઘાત કરવા માટે એના પતિ અને અન્ય પરિવારજનોએ જ ઉશ્કેરી હશે. જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે જ્યોતિનો અગ્નિસંસ્કાર કરવાના નથી.