રાજકોટમાં આજે વહેલી સવારથી વીજચોરી ઝડપી લેવા માટે PGVCLની અલગ અલગ 44 ટીમો ઉતારી ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે, કોર્પોરેટ ઓફિસની સૂચના બાદ સવારે 8 વાગ્યાથી રાજકોટ સીટી ડિવિઝન 3 હેઠળ PGVCL દ્વારા કોર્પોરેટ ચેકિંગ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે.
થોડા સમયના વિરામ બાદ આજે ફરી રાજકોટ શહેરના ડિવિઝન 3 હેઠળ PGVCL દ્વારા કોર્પોરેટ ચેકીંગ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. 30થી વધુ વિસ્તારોમાં 44 ટીમો દ્વારા આજે સવારે 8 વાગ્યા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. વાવડી, ખોખડદળ, રૈયારોડ અને માધાપર સબ ડિવિઝનમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું જેમાં સીતારામ સોસાયટી, હરિદ્વાર સોસાયટી, કૈલાશપાર્ક, સોમનાથ સોસાયટી, તિરુપતિ સોસાયટી, ગણેશ સોસાયટી, પરાશરપાર્ક, વોરા સોસાયટી, રૈયાધાર, આરએમસી ક્વાર્ટર્સ, ગોપાલ સોસાયટી વગેરે સમાવેશ થાય છે.
બોટાદ ડીવીઝન હેઠળના બોટાદ ટાઉન-2 સબ ડીવીઝનના વીજ ગ્રાહક ઇન્દુલાલ એન. પટેલ ના કારખાનાનું વીજ જોડાણ ચકાસતા કુલ 81.07 KW લોડ જોડેલ હતો. જેની ચકાસણી કરતાં મીટર પેટી ઉપરના સીલ સાથે ચેડા જણાયેલ અને ટર્મિનલ કવરનું સીલ હયાત ન હતું. આ મીટર તા.22-04-2022ના રોજ મીટર ટેસ્ટીંગ લેબમાં ગ્રાહકની હાજરીમાં વિશેષ ખરાઈ કરતાં મીટર સાથે ચેડા કરવામાં આવેલ હોવાની જાણ થતા PGVCL દ્વારા ગ્રાહકને અંદાજે રૂ.93 લાખનું વીજ ચોરીનું પુરવણી બીલ આપવામાં આવેલ છે.
ઉલ્લેખનીય છે કે PGVCL દ્વારા નાણાંકીય વર્ષ 2021-22 માં ફક્ત માર્ચ-22 એક જ મહિનામાં 2501 કરોડની આવક મેળવી રેકોર્ડબ્રેક કલેક્શન કરવામાં આવ્યું હતું. PGVCL દ્વારા નાણાંકીય વર્ષમાં કુલ 19321.12 કરોડની આવક કરવામાં આવી હતી.