Satya Tv News

રાજકોટ જિલ્લાના જામકંડોરણાના દડવી ગામે રહેતા નાગલબેન નાથાભાઈ ચાવડા નામના વૃધ્ધાની એકાદ માસ પહેલા કુવામાંથી લાશ મળી આવી હતી. અકસ્માતે મોતનો મનાતો આ બનાવ હત્યાનો નિકળ્યો છે. નાગલબેનની પાડોશમાં જ રહેતા દંપતીએ તેના બુટીયા લૂંટવા માટે ગળુ દબાવી હત્યા કરી નાખ્યા બાદ લાશ કુવામાં ફેંકી દીધાનો ઘટસ્ફોટ થયો છે. જામકંડોરણા પોલીસે આરોપી દંપતીની અટકાયત કરી તપાસ હાથ ધરી છે.

પોલીસના જણાવ્યા મુજબ નાગલબેન દડવી ગામે એકલા રહેતા હતા. ગત તા. 6 એપ્રિલના રોજ ગામના પાદરમાં આવેલા કુવામાંથી તેની લાશ મળી આવી હતી. જે લાશ કોહવાઈ ગયેલી હાલતમાં મળી આવી હતી. એટલુ જ નહી તેમની લાશમાંથી અત્યંત દુર્ગંધ આવતી હતી. નાગલબેનના કાનમાંથી સોનાના બુટીયા મળ્યા ન હતા. અને તેનો મોબાઈલ ફોન પણ ગાયબ હતો.

જે તે વખતે જામકંડોરણા પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી હતી. એટલુ જ નહી નાગલબેનના મોબાઈલ નંબર સર્વેલન્સમાં રાખી દીધો હતો. જેના આધારે આખરે તેની હત્યા થયાનું બહાર આવ્યું હતું. દડવી ગામમાં જ રહેતા આરોપી ચંદુભાઈ ગોકળ મકવાણાએ પોતાનું સીમકાર્ડ નાગલબેનના લૂંટી લીધેલા ફોનમાં ચડાવતા તેના આધારે પોલીસે તેની પુછપરછ કરતા તેણે એવી કબુલાત આપી હતી કે તેને 30થી 35 હજાર રૂપિયાની જરૂર હતી. પાડોશમાં રહેતા નાગલબેન કાનમાં બુટીયા પહેરતા હોવાથી જો તે મળી જાય તો પોતાની જરૂરીયાત પુરી થઈ શકે તેમ હતી પરીણામે તેણે કાવતરૂ ઘડયું હતું. જે મુજબ તેની પત્ની હંસાબેનને ગત તા.29 માર્ચના રોજ નાગલબેનને પોતાના ઘરે બોલાવવા માટે મોકલ્યા હતા. તે વખતે નાગલબેન જમતા હતા. તેને શાક લેવા માટે કહેવાતા તત્કાળ હંસાબેન સાથે તેના ઘરે આવી ગયા હતા.

આ રીતે નાગલબેન તેના ઘરે આવતાં તેણે પૂર્વયોજીત કાવતરા મુજબ તેને રૂમમાં લઈ જઈ ગળુ દબાવી, ડુમો દઈ દીધો હતો. આ વખતે નાગલબેનને તેની પત્ની હંસાએ મજબુત રીતે પકડી રાખ્યા હતા. થોડીવાર તડફડીયા માર્યા બાદ નાગલબેનનું મૃત્યું નિપજયું હતું. તે સાથે જ તેના કાનમાંથી સોનાના બુટીયા ઉતારી તેનો મોબાઈલ ફોન પણ લઈ લીધો હતો.

રાત આખી પોતાના ઘરમાં લાશ રાખ્યા બાદ મધરાત્રે ચાદરમાં લાશ વિંટી પત્ની સાથે મળી તેને ગામના પાદરમાં આવેલા પાણી વગરના કુવામાં ફેંકી આવ્યો હતો. આ ખુલાસાના આધારે એસસી, એસટી સેલના ડીવાયએસપી મહર્ષિ રાવલે મૃતકના પુત્ર ભીખાભાઈ ઉર્ફે ભરતભાઈ ચાવડા (ઉ.વ.54) ની ફરિયાદ પરથી આરોપી દંપતી સામે હત્યા, ગુનાઈત કાવતરૂ, પુરાવાનો નાશ, એટ્રોસીટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી.

હત્યાનો ભોગ બનનાર નાગલબેનની લાશ જે કુવામાંથી મળી તે પાણી વગરનો હતો. તે વખતે નાગલબેને ચુંદડી કે સાડી પહેર્યા ન હતા. તેના પુત્રએ પોલીસને જણાવ્યું હતું કે તેના માતા ચુંદડી કે સાડી પહેર્યા વગર કયારે પણ બહાર જતા નહી. એટલુ જ નહી તેના કાનમાંથી બુટીયા પણ ગાયબ છે. મોબાઈલ પણ મળતો નથી. જે જોતા તેની માતાની કોઈએ હત્યા કરી લાશ કુવામાં ફુંકી દીધી છે. મૃતક નાગલબેનને જયારે આરોપી હંસા બેલાવવા આવી ત્યારે તે જમતા હતા. તાત્કાલીક તેના ઘરે જવાનું થતા ચુંદડી કે સાડી પહેર્યા વગર માત્ર બ્લાઉઝ અને ચણીયો પહેરી જતા રહ્યા હતા

error: