અંકલેશ્વરની GIDCની યુપીએલ યુનિટ-1માં પ્રચંડ બ્લાસ્ટ સાથે લાગી આગ
પ્રચંડ બ્લાસ્ટ સાથે લાગેલ આગમાં 6 કામદારોને પહોંચી ગંભીર ઈજા
8થી વધુ ફાયર ટેન્ડરો સ્થળ પર દોડી આવી આગ ઉપર કાબુ મેળવ્યો
યુનિટ-1માં પ્રોસેસિંગની કામગીરી દરમિયાન આગ લાગી હોવાનું અનુમાન
જિલ્લા કલેકટર અને SP સહીત તમામ સરકારી કચેરીના અધિકારીઓ ઘટના સ્થળે
અંકલેશ્વરની GIDCમાં યુપીએલ યુનિટ-1માં બ્લાસ્ટ સાથે આગ લાગી હતી. જેમાં 6 જેટલા કામદારો દાઝી જતા તેઓને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યા બે કામદારોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. આ આગને પગલે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. આ આગની ઘટનાની જાણ ફાયરની ટીમને થતા 8થી વધુ ફાયર ટેન્ડરો સ્થળ પર દોડી આવી 30 મિનિટમાં આગ પર કાબુ મેળવ્યો હતો.
ઉદ્યોગીક નગરી અંકલેશ્વરમાં આજરોજ સવારના અરસામાં અંકલેશ્વર GIDCમાં નેશનલ હાઇવેને અડીને આવેલી યુપીએલ કંપનીના યુનિટ-1માં પ્રચંડ ધડાકા સાથે આગ ભભૂકી ઉઠતા કંપનીમાં નાસભાગ મચી હતી. આગને પગલે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પાડ્યા હતા. કંપનીના સત્તાધીશોએ તાત્કાલિક અંકલેશ્વર DMPC ફાયર વિભાગને આગની ઘટનાની જાણ કરતા 8થી વધુ ફાયર ટેન્ડરો સ્થળ પર દોડી આવ્યા હતા અને અંદાજિત 30 મિનિટ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
આ આગની ઘટનામાં કંપનીમાં કામ કરી રહેલા 6 જેટલા કામદારોને ઈજાઓ પહોંચતા તેઓને 108 અને અન્ય એમ્બ્યુલસની મદદથી જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા જ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલ, પ્રાંત અધિકારી નૈતીકા પટેલ મામલતદાર કિરણસિંહ સહિત અદ્યોગિકને લગતા તમામ અધિકારીઓ કંપની અને હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. સાથે જ ઘાયલ કામદારોને ઉત્તમ સારવાર આપવામાં આવે તે માટે તબીબોની ટીમને કામે લગાડયા હતા. તબીબોના ડિસિઝન બાદ ગંભીર રીતે ઇજા પામનારા કામદારોને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં એરલિફ્ટ કરવાની તૈયારી પણ બતાવી છે.
આગની ઘટનાને પગલે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા યુનિટ ખાલી કરાવી દીધું હોવાની વિગત સાંપડી છે. આ આગની ઘટનામાં કોઈને પણ જાનહાનિ નહી થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો છે. યુનિટ-1માં પ્રોસેસિંગની કામગીરી દરમિયાન બ્લાસ્ટ સાથે આગ લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે.
વિડીયો જર્નાલિસ્ટ સુનિલ પરમાર સાથે ધર્મેન્દ્ર પ્રસાદ સત્યા ટીવી અંકલેશ્વર