8 માસનો ગર્ભ હોવાથી ગર્ભપાત કરવામાં આવે તો પીડિતાના સ્વાસ્થ્યને નુકશાન થઈ શકે છે : કોર્ટ
વિધવા માતાએ પોતાની 17 વર્ષની દીકરીના આઠ મહિનાના ગર્ભ માટે માંગેલી ગર્ભપાતની અરજી કોર્ટે નામંજૂર કરી હતી. અરજી નકારતી વખતે કોર્ટે નોંધ્યું કે, જો ગર્ભપાતની મંજૂરી આપવામાં આવે તો ભોગ બનનારના સ્વાસ્થ્યને પણ નુકશાન થઈ શકે છે.
નોંધનીય છે કે, બળાત્કારનો ભોગ બન્યા બાદ સગીરાએ આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી અને બાદમાં ગર્ભપાત માટે સગીરાએ કોર્ટની મંજૂરી માગી હતી. સરકાર તરફે એપીપી દિપેશ દવેએ દલીલો કરી હતી કે, સિવિલ હોસ્પિટલના ત્રણ ડોકટરોની પેનલ દ્વારા ગર્ભપાત માટે મંજૂરી ન આપવા અંગેનો રિપોર્ટ આપ્યો હતો.
ગાયનેકોલોજિસ્ટ ના મતે સામાન્ય રીતે 20 અઠવાડિયાનો ગર્ભ હોય તો મેડિકલ સાયન્સ ગર્ભપાતની મંજૂરી આપે છે. 30 થી 32 અઠવાડિયામાં માતા અને બાળક બંનેને જીવનું જોખમ રહે છે.
કોર્ટે નોંધ્યુ કે, ભોગ બનનારને ડોકટરે તપાસી એવુ સર્ટિફિકેટ આપ્યુ છે કે હાલ ભોગ બનનારને 30 થી 32 અઠવાડિયાનું ગર્ભ છે એટલે ભોગ બનનારના ગર્ભને ગર્ભપાત કરાવવામાં આવે તો ભોગ બનનારના સ્વાસ્થયને પણ નુકશાન થઈ શકે છે.