ગુજરાત પોલીસે “સંવેદના” ની અનુભૂતિ કરાવી
કોરોનાકાળમાં જ્યારે પોતાના પણ સાથે ન હતાં ત્યારે પોલીસે મદદ કરી
“અડિખમ” પોલીસ જવાનોનો જુસ્સો પણ કાયમ “અડિખમ” છે
પોલીસ જવાનોએ પરિવારની ચિંતા છોડીને રાજ્યને કોરોનામાંથી બહાર લાવવામાં મહેનત કરી છે
રાજ્યમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી હંમેશા પ્રજાની ચિંતા કરતા હોય છે. ખાસ કરીને દિકરીઓ માટે ભારે સંવેદનશીલતા વ્યક્ત કરતા હોય છે તો વળી પોલીસ વિભાગની સરાહનીય કામગીરી બીરદાવવામાં પણ પાછળ રહેતા નથી. અવાર-નવાર પોતાના સોશિયલ મિડીયા પર પોલીસનાં સરાહનીય કાર્યની કહાની અને વિડીયો શેર કરતા હોય છે. જ્યારથી હર્ષ સંઘવી ગૃહમંત્રી બન્યા ત્યારથી પોલીસ અને પ્રજા વચ્ચેનું અંતર સરળ કઇ રીતે બને તે માટે સતત પ્રયત્નો કરતા હોય છે. હાલમાં જ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોતાના ટ્વીટર અકાઉન્ટ પર એક વિડીયો શેર કર્યો છે.
પોલીસની સરાહનીય કામગીરીની પ્રશંસા કરતા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતુ કે રાજ્ય પર આવી પડેલી દરેક આપદામાં ગુજરાત પોલીસે “સંવેદના” ની અનુભૂતિ કરાવી છે. કોરોના કાળમાં પણ “પારકા” ના “પોતીકા” બનીને ફરજ સાથે સેવા-સુશ્રુષાની કર્તવ્યનિષ્ઠા નિભાવી છે. ગુજરાતની સુરક્ષા કાજે રાઉન્ડ ધ ક્લોક ફરજ પર “અડિખમ” પોલીસ જવાનોનો જુસ્સો પણ કાયમ “અડિખમ” છે. પોલીસ જવાનોએ પરિવારની ચિંતા છોડીને રાજ્યને કોરોનામાંથી બહાર લાવવામાં મહેનત કરી છે, કોરોનાકાળમાં જ્યારે પોતાના પણ સાથે ન હતાં ત્યારે પોલીસે મદદ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ શેર કરેલ આ વિડીયો વિધાનસભા સત્ર દરમ્યાનનો હોય તેવુ લાગી રહ્યુ છે. કોરોનાકાળમાં વિધાનસભા ગૃહમાં હર્ષ સંધવીએ આ વાત કરી હતી. આ પહેલા પણ ગૃહમંત્રીએ દિકરીની ચિંતા કરતા આપણી સામાજિક જવાબદારી અંગે વાત કરતાનો એક વિડીયો શેર કરતા કહ્યુ હતુ કે વિધાનસભા ગૃહમાં સમાજને લગતા અનેક મુદ્દાઓની પણ ચર્ચા થાય છે. હંમેશા પ્રજા માટે સક્રિય રહેતા રાજ્યનાં ગૃહમંત્રી પ્રજાની સાથે પોતાના ડિપાર્ટમેન્ટની પણ એટલી જ કાળજી લઇ રહ્યા છે તે આ વિડીયો પરથી સાબિત થાય છે.