Satya Tv News

દિલ્હીની NIA કોર્ટમાં ટેરર ફન્ડિંગ મામલે દોષી ઠેરવવામાં આવેલા આતંકવાદી યાસીન મલિકને આજીવન જેલની સજા સંભળાવવામાં આવી છે. ટેરર ફંડિગ કેસમાં દોષિત યાસિન મલિકને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. યાસિન મલિકને NIA કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી છે. આ સિવાય મલિકને 10 લાખનો દંડ પણ કોર્ટે ફટકાર્યો છે.

NIAએ વિશેષ ન્યાયાધીશ પ્રવીણ સિંહની કોર્ટમાં યાસીન મલિકને NIAના વકીલ તરફથી ફાંસીની સજા આપવા માટેની માગણી કરી હતી. જ્યારે સજાની સુનાવણીની ઘડીઓ ગણાઈ રહી હતી તે વખતે યાસીનના ઘર પર ડ્રોન વડે નજર રાખવામાં આવી રહી હતી. શ્રીનગર ખાતે યાસીન મલિકના ઘરની બહાર સુરક્ષા દળો પર પથ્થરમારાની ઘટના પણ બની હતી.

સુનાવણી દરમિયાન મીડિયાકર્મીઓને પણ કોર્ટમાં પ્રવેશની મંજૂરી નહોતી અપાઈ. સાથે જ કોર્ટની બહાર સુરક્ષા મામલે સઘન વ્યવસ્થા કરવામાં આવી છે.

અગાઉ 19 મેના રોજ વિશેષ કોર્ટે યાસીન મલિકને દોષી ઠેરવ્યો હતો. કોર્ટે NIA અધિકારીઓને દંડની રકમ નક્કી કરવા માટે મલિકની નાણાકીય સ્થિતિની આકારણી કરવા માટે નિર્દેશ આપ્યો હતો. આ સાથે જ મલિકને પોતાની સંપત્તિ અંગેનું સોગંદનામુ દાખલ કરવા માટે કહેવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, મલિકે UAPA અંતર્ગત લગાવવામાં આવેલા આરોપો સહિતના પોતાના પર લાગેલા તમામ આરોપોનો સ્વીકાર કર્યો હતો. આ આરોપોમાં UAPAની કલમ 16 (આતંકવાદી કૃત્ય), 17 (આતંકવાદી કૃત્યો માટે ધન એકત્રિત કરવું), 18 (આતંકવાદી કૃત્યનું ષડયંત્ર) અને કલમ 20 (આતંકવાદી ટોળકી કે સંગઠનનું સદસ્ય હોવું) તથા ભારતીય દંડ સંહિતાની કલમ 120-બી (ગુનાહીત ષડયંત્ર) અને 124-એ (રાજદ્રોહ)નો સમાવેશ થાય છે.

યાસીન મલિકને દિલ્હીની પટિયાલા કોર્ટ ખાતે લાવવામાં આવ્યો હતો અને કોર્ટમાં સજા અંગે દલીલ થઈ હતી. ત્યાર બાદ કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખી લીધો હતો. પટિયાલા કોર્ટ પરિસરની સુરક્ષા વધારી દેવામાં આવી હતી અને કોર્ટની બહાર CRPF, સ્પેશિયલ સેલના જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા. કોર્ટ રૂમમાં ઉપસ્થિત વકીલ ફરહાને જણાવ્યું કે, યાસીન મલિકે કોર્ટમાં કહ્યું કે, તે સજા અંગે કશું જ નહીં બોલે. કોર્ટ તેને દિલ ખોલીને સજા આપે. મારા તરફથી સજા અંગે કોઈ વાત નહીં કરવામાં આવે.

NIA દ્વારા ફાંસીની સજાની માગણી કરવામાં આવી ત્યાર બાદ યાસીન મલિક 10 મિનિટ સુધી શાંત રહ્યો હતો. તેણે કોર્ટમાં કહ્યું કે, મને જ્યારે પણ કહેવામાં આવ્યું ત્યારે મેં સમર્પણ કર્યું. બાકી કોર્ટને જે ઠીક લાગે તેના માટે હું તૈયાર છું.

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મેહબૂબા મુફ્તીએ યાસીન મલિક મામલે કેન્દ્રની ભાજપ સરકાર પર નિશાન સાધ્યું હતું. મુફ્તીએ જણાવ્યું કે, ભાજપ મુસલમાનોને કચડી રહી છે. આ સાથે જ મુફ્તીએ પાકિસ્તાનના ન્યાયતંત્રને ભારત કરતાં સારૂં ગણાવ્યું હતું.

error: