Satya Tv News

અમદાવાદમાં આજથી ક્રિકેટ કાર્નિવલ શરૂ થઈ રહ્યો છે. શુક્રવાર અને રવિવાર એમ બે દિવસ શહેરમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPLની મેચો રમાવાની છે. ત્યારે ક્રિકેટની રમતની સાથે પોલિટિક્સ પણ શરૂ થઈ ગયું છે. સોશિયલ મીડિયામાં મેચ પહેલાં જ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મેદાનની બહાર પોસ્ટર વોર શરૂ થયો છે. કોંગ્રેસે ગુજરાત ટાઈટન્સની ટીમને શુભેચ્છા આપતાં પોસ્ટર લગાવ્યાં છે, પણ એમાં મેદાનના નામમાં ‘સરદાર પટેલ સ્ટેડિયમ’ તરીકે ઉલ્લેખ કર્યો છે.
ગુજરાત કોંગ્રેસ દ્વારા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રોડ પર ગુજરાત ટાઈટન્સને અભિનંદન આપતા બેનર લગાવવા મામલે વિવાદ થતાં પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર એક્શનમાં આવ્યું હતું અને તાત્કાલિક ધોરણે સમગ્ર રોડ પર લગાવેલા બેનર ઉતારી લેવા માટેનો આદેશ એસ્ટેટ વિભાગને આપવામાં આવ્યો હતો. જેના પગલે સ્ટેડિયમની સામે જ લગાવવામાં આવેલું બેનર ઉતારી લેવામાં આવ્યું હતું. સમગ્ર વિસ્તારમાં લગાવેલા ગુજરાત કોંગ્રેસના આ બેનરોને તાત્કાલિક ધોરણે હટાવી લેવામાં આવ્યા છે.

કોંગ્રેસ લગાવેલાં પોસ્ટરમાં ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાની સાથે સાથે રાહુલ ગાંધી સોનિયા ગાંધી પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર, પ્રભારી રઘુ શર્મા, સુખરામ રાઠવાના ફોટાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સ્ટેડિયમના નામ તરીકે ‘સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ’નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે અધિકૃત રીતે આ સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવામાં આવ્યું છે. IPL સંચાલકો દ્વારા પણ સ્ટેડિયમના નામમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

કોંગ્રેસે પોતાના પોસ્ટરમાં સરદાર પટેલ સ્ટેડિયમ નામનો ઉલ્લેખ કર્યો છે. જેને લઇને સરકારના સંચાર મંત્રી દેવુંસિંહ ચૌહાણે કોંગ્રેસના પોસ્ટરને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે અને પોતાના ફેસબુક પેજ પર પોસ્ટરના ફોટો સાથે કહ્યું છે કે, ‘વર્ષો સુધી સરદાર પટેલની અવગણના કરવા વાળાને અચાનક એક દિવસમાં સરદાર પટેલ કેમ યાદ આવી ગયા? પહેલી સિઝન હોય કે વીસ વર્ષનો ઇતિહાસ હોય જીત હંમેશા સાહસિક જુસ્સાની થઈ છે, પરિવાર વાદની નહી.

​​​​​શુક્રવારે અને રવિવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPLની મેચ રમાવાની હોવાના પગલે શહેર પોલીસ કમિશનર દ્વારા વાહનોની અવર-જવર માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. એવામાં 27 અને 29મી મેના રોજ બપોરે 3 વાગ્યાથી રાતના 2 વાગ્યા સુધી જનપથ ટીથી મોટેરા સ્ટેડિયમના મુખ્ય ગેટથી કૃપા રેસિડેન્સી ટી થઈને મોટેરા ટી સુધીનો રસ્તો બંધ રહેશે. વાહન ચાલકો તેના બદલે તપોવન સર્કલથી વિસત ટી થઈને ઓ.એન.જી.સી ચાર રસ્તાથી જનપથ ટી થઈ, પાવર હાઉસ ચાર રસ્તા થઈને પ્રબોધરાવળ સર્કલ સુધીના રસ્તાથી અવર-જવર કરી શકશે. આવી જ રીતે કૃપા રેસિડેન્સી ટી થઈ શરણ સ્ટેટસ ચાર રસ્તા થઈ ભાટ-કોટેશ્વર રોડ થઈ એપોલો સર્કલ તરફ અવર-જવર કરી શકશે. જોકે ક્રિકેટ સાથે સંકળાયેલ વાહનો, ફરજમાં રહેલા સરકારી વાહનો, ફાયર બ્રિગેટ, એમ્બ્યુલન્સ, તથા આ વિસ્તારમાં વસવાટ કરતા રહીશો માટે આ જાહેરનામું લાગું પડશે નહીં.

error: